ઈશાન પરમાર, સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-ઉદેપુર હાઈવે (Ahmedabad-Udaipur highway)નું નવીનીકરણ કરી તેને સિક્સ લેન (Six lane)માં પરિવર્તિત કરવામાં આવી રહ્યો છે. જોકે, મંદ ગતિ અને આડેધડ કામ ચાલતું હોવાથી વાહનચાલકો પરેશાન થયા છે. વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે નંબર-8 (National highway No-8) પર હાલમાં સિક્સ લેનની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ગોકળગતિએ ચાલતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હાઈવેની બાજુમાં ખાડા કરી દેવાતા વરસાદી પાણી ત્યાં ભરાઈ જાય છે. જેના પગલે અજાણ્યા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. આખે આખી કાર આ ખાડાઓમાં ગરક થઈ રહી છે.
હિંમતનગરમાં ફક્ત 2 ઈંચ જેટલા વરસાદમાં તો જાણે કે તળાવ બની ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ વિસ્તારની વાત કરીએ તો દર એક કલાકે એક વાહન, બાઈક કે ચાલીની જતી વ્યક્તિ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તેનાથી વાહનોને પણ નુકસાનન થઈ રહ્યુ છે. છેલ્લા બે દિવસમાં 10 વધુ વાહનો આ જ જગ્યાએ ખાબક્યા છે. જેના પગલે વાહનો તેમજ વાહન ચાલકને પણ ઈજા પહોંચી છે.