પાટણ : પાટણમાં ગુરુવારે સાંજે ખાબકેલા ત્રણ ઇંચ વરસાદથી પાણી પાણી થઈ ગયું હતું. જેમાં પાટણના ઝવેરી બજારમાં પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં તણાયા હતા. શહેરમાં એક સાથે ત્રણ ઇંચથી વધારે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બપોર પછી શરૂ થયેલો વરસાદ સાંજ છ વાગ્યા સુધી એકધારો શરૂ રહેતા રેલવે ગરનાળાથી આનંદ સરોવર સુધી રોડ પર પાણી ભરાઇ ગયા હતા.
ભારે વરસાદથી રેલવે ગરનાળામાં કેડ સમા પાણી ભરાયા હતા. કોર્ટ રોડ પર પાણી ભરાતા વાહનોની અવરજવર બંધ કરવી પડી હતી. આ ઉપરાંત આનંદ સરોવર કેનાલ ઓવરફ્લો થતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ટેલિફોન એક્સચેન્જ રોડ પર ઢીંચણ સમા પાણી ભરાતા આસપાસની સોસાયટીના રહીશોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. હાલત એવી હતી કે પાણી ઘરોમાં ઘૂસી જાય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
પાટણની વાત કરવામાં આવે તો આશરે સાડા ત્રણ ઇંચ જેટલા વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહી હતી. શહેરના ઝવેરી બજારમાં જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં રસ્તા પર પાર્ક કરેલા વાહનો પાણીમાં તણાવા લાગ્યા હતા. જે બાદમાં વેપારીઓએ પોતાના વાહનો અન્ય ઊંચાણવાળી જગ્યા પર પાર્ક કરવાની ફરજ પડી હતી. વાહનો પાણીમાં તણાતા જોઈને લોકો દોડી આવ્યા હતા અને વાહનોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
પાટણમાં 82 મીલીમીટર ઉપરાંત સરસ્વતીમાં 20 મી.મી, હારિજમાં 11 મી.મી. અને સાંતલુપરમાં 6 મી.મી વરસાદ ખાબક્યો હતો. જોકે, બીજી તરફ ચાર તાલુકાને બાદ કરતાં અન્ય તાલુકામાં બિલકુલ વરસાદ પડ્યો ન હતો. આ કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જોકે, ચોમાસાને વિદાયમાં હજુ વાર હોવાથી ખેડૂતોને સારો વરસાદ પડશે તેવી આશા છે.