અશરફ ખાન, પાટણ : રાધનપુર પાલનપુર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત (Radhanpur Palanpur Highway accident)) ઘટના સામે આવી છે. આ રોડ અકસ્માત (Road Accident)માં બે જીવદયા પ્રેમીના મોત (Two Killed) થતા પુરા પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાજ્યમાં કોરોના વાયરસ અને લોકડાઉન સમયે અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, પરંતુ જેમ જેમ લોકડાઉનમાં છૂટ છાટ મળતી ગઈ તેમ તેમ રોડ અકસ્માતની ઘટનાઓ પણ ફરી વધી ગઈ છે. તેમાં પણ અકસ્માતની ઘટનાઓ સૌથી વધુ ચોમાસાના સમયમાં સામે આવે છે, કારણ કે, રોડ રસ્તાની દયનીય સ્થિતિના કારણે રોજે રોજ અકસ્માત સર્જાઈ રહ્યા છે. અને લોકોના કમોતે મોત નિપજી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે રાધનપુર પાલનપુર હાઈવે પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના કરૂણ મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, બે લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે. અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસે સ્થળ પર પહોંચી મામલો હાથ પર લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મૃતક બંને વ્યક્તિ જીવદયા પ્રેમી હોવાનું સામે આવ્યું છે. કાર ચાલક અકસ્માત બાદ કાર મુકી ફરાર થઈ ગયો હતો.
વિગતે ઘટનાની વાત કરીએ તો, રાધનપુરથી પાલનપુર હાઈવે પર સરદારપુર અને સિનાડા ગામ વચ્ચે બાઈક સવારનું બાઈક પહોંચ્યું, ત્યારે ફૂલ સ્પીડે આવી રહેલી કારની ચક્કર વાગતા બંને બાઈક સવાર ફંગોળાઈ રોડ પર પટકાયા હતા. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ભાગી ગયો હતો, સ્થાનિકોએ તુરંત બચાવ ટીમને જાણ કરી, પરંતુ સારવાર મળે તે પહેલા જ બંનેના મોત થઈ ચુક્યા હતા. પોલીસે સ્થળ પર આવી અકસ્માત કેવી રીતે સર્જાયો અને અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિ કોણ છે તે મામલે તપાસ હાથ ધરી, બને મૃતકોના પીએમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં ભોગ બનનાર બંને વ્યક્તિ જીવ દયા પ્રેમી અને વારાહીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતક બંને યુવકો વારાહી શ્રી ભીડ ભંજન હનુમાનજી ગૌશાળામાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા, મૃતકમાં (1) બાબુભાઈ રામજીભાઈ પંચાલ, રહે - વારાહી અને (2) રાધેશ્યામ જમનાદાસ સાધુ, રહે - વારાહી તરીકે ઓળખ થઈ છે. આ મામલે ગૌશાળામાં જાણ કરતા મૃતકોના પરિવારજનો અને ગૌશાળાના સભ્યો હોસ્પિટલ દોડી આવ્યા હતા, ત્યારે ગમગીન માહોલ સર્જાયો હતો. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.