હાલ ભારતમાં દિવસેને દિવસે વૃક્ષોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે આ માટે સરકાર પણ ચિંતિત છે. કેટલીય સામાજિક સંસ્થાઓ પણ હવે પર્યાવરણ બચાવવા માટે મેદાનમાં આવી ગઈ છે. પરંતુ જ્યાં સુધી દરેક માનવી પોતાની રીતે વૃક્ષનું મહત્વ નહિ સમજે ત્યાં સુધી વૃક્ષોનું પ્રમાણ ભારતમાં વધે તેવું લાગતું નથી. આજે આપણે વાત કરી રહ્યા છીએ એવા ગામની જે ગામમાં ગામની જન સંખ્યા કરતા પણ વધુ સંખ્યા વૃક્ષોની છે જેથી આ ગામમાં બીજા ગામ કરતા ઉનાળામાં ઓછું તાપમાન રહે છે તેવું ગામજનો માને છે. (કેતન પટેલ, મહેસાણા)
ગામમાં એક પણ ખુલ્લી જગ્યા એવી નથી કે જ્યાં વૃક્ષ જોવા ન મળે આ અંગે ગામના લોકો કહે છે કે ગ્રામજનોને વૃક્ષ પ્રેમ વારસામાં મળ્યો છે. અમે ક્યારેય વૃક્ષારોપણનું અભિયાન ચલાવાયું નથી. નવાઇની વાત તો એ છે કે, ગ્રામમાં ક્યારેય બિનજરૂરી વૃક્ષ છેદન થતું નથી. જો કોઇ વૃક્ષ નડતરરૂપ હોય કે જોખમી હોય તો તેને જ કાપવામાં આવે છે. અને તેની સામે કપાયેલા એક વૃક્ષ સામે નવા 4 વૃક્ષો ઉછેરાય છે.
ગામમાં માત્ર 200 મીટરનો પ્રવેશ રોડ પર એક વૃક્ષ નહોતું તેમાં પણ આ વર્ષે વૃક્ષારોપણ કરાયું છે. ગામના વડીલો દ્વારા વારસામાં મળેલા આ વૃક્ષ પ્રેમના કારણે આસપાસના અન્ય ગામો કરતાં વધુ વરસાદ કુદરત આપે છે. એટલુ જ નહીં ઉનાળામાં ગામનું તાપમાન પણ નીચું રહે છે. આ ગામમાં દર વર્ષ ગામ પંચાયત તરફથી 1000 વૃક્ષો વાવણી કરવા માટે આપવામાં આવે છે.
ગામના યુવાનો અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ જવાબદારી લઈને આ વૃક્ષોનો નિભાવ કરે છે અને તેની ઉછેરની જવાબદારી લે છે. જયારે અમે ગામની મુલાકાત લીધી તો ગામની સ્કૂલમાં કેટલાક વિધાર્થી ઓ છોડની વાવણી કરી રહ્યા છે. તેમાં નવીન પદ્ધતિ દ્વારા પીવાની બોટલ ને છોડ ની બાજુમાં રાખવામાં આવે છે. જેથી પિવાના પાણીની બોટલો મુકી ભેજ જાળવાય છે.
ગામની ભૌગોલીક સ્થિતિ એવી છે કે, જમીનના ઉપરના સ્તરમાં ભેજનું પ્રમાણ ઝડપથી ઘટે છે. જેને લઇ નવા રોપાને ભેજ ન મળતાં તેને ઉછેરવામાં મુશ્કેલી પડે છે. આ પરિસ્થિતિ પર કાબુ મેળવવા સ્વામી ચરણગીરીજી વિદ્યાલયના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને એક ટેકનીક આપી છે. જે મુજબ વિદ્યાર્થીઓ આખા ગામમાંથી પિવાના પાણીની ખાલી બોટલો એકત્રીત કરી છે. બોટલના સૌથી નીચેના ભાગે નાનું કાણું પાડી તેમાં પાણી ભરી રોપાના થડ જોડે મુકી દેતા હોય છે. જેને લઇ પાણીની બચત સાથે આખો દિવસ જમીનમાં ભેજ જળવાઇ રહે છે.