

મહેસાણા જીલ્લાના ઉદલપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત થયાનું સામે આવ્યું છે. રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં ચાર લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે એકની હાલત ગંભીર છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણાના ઉદલપુર પાસે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, ઘટના સ્થળ પર જ ચાર લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે એકની હાલત ગંભીર હોવાથી તેને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


અકસ્માત મેઈન રસ્તા પર થતા, ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. હાલમાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. અને ટ્રાફિક જામ હળવો કરવાનો પ્રયત્ન શરૂ કરી દીધો છે.


પોલીસ સૂત્રોને મળેલી પ્રાથમીક માહિતી અનુસાર, અકસ્માતમાં ભોગ બનનારા લોકો બહુચરાજી તાલુકાના દેલવાડા ગામના હોવાનું અનુમાન છે. પોલીસે અકસ્માતમાં મોતને ભેટનાર લોકોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી. અકસ્માત કેવી રીતે સર્જાયો, તે મુદ્દે તપાસ હાથ ધરી મૃતકોના પરિવારને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.