કેતન પટેલ, મહેસાણા : અલ્પેશ ઠાકોરનાં નજીકનાં માનવામાં આવતા કોંગ્રેસનાં ભરત ઠાકોર ભાજપનાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યાં હતાં. જો કે આ મુલાકાત તેમણે ભાજપનાં એમપી જુગલજી ઠાકોરનાં ફાર્મહાઉસમાં કરી હતી. આ આખી બાબતથી હાલ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ભરત ઠાકોર બહુચરાજીનાં એમએલએ છે. તેમણે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હું મારા વિસ્તારનાં લોકોનાં પ્રશ્નોનાં રજૂવાત માટે ગયો હતો. હું ભાજપમાં જોડાવવાનો નથી.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મહેસાણાની ઓએનજીસીની મુલાકાતે આવ્યાં હતાં ત્યારે હું મળવા ગયો હતો. મેં એમને જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં એટલે બહુચરાજીમાં ઓએનજીસીનાં ઘણાં પોઇન્ટ આવેલા છે. તેથી હું ત્યાંના પ્રાણ પ્રશ્નો લઇને હું ગયો હતો. આ ઉપરાંત યુવાનોની જમીન માટે, ખેડૂતોને જે વળતર નથી ચુકવાયું તે અંગે કેન્દ્રીય મંત્રીને રજૂવાત કરવા માટે ગયો હતો. બાકી જે પણ અટકળો ચાલે છે કે હું ભાજપમાં જોડાવવાનો છું તે એકદમ વાહિયાત છે. તેમાં કોઇ જ તથ્ય નથી. આ પહેલા પણ હું જ્યારે ધારાસભ્ય ન હતો ત્યારે પણ સમાજનાં લોકોની બેઠક માટે અમે જુગલજીનાં ફાર્મ હાઉસમાં જતાં હતાં. હું મારા લોકોનાં પ્રશ્નોનાં ઉકેલ મળે તે માટે જ ત્યાં ગયો હતો.
અલ્પેશ ઠાકોરે જ્યારે ભાજપમાં જોડાવવાની અટકળો તેજ હતી તે સમયે ભરત ઠાકેરે ઘણાં નિવેદન આપ્ચાં હતાં. તેમણે કહ્યું હતું કે, 'અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની કેટલીક જવાબદારીમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસે અલ્પેશ ઠાકોર સામે કોઈ પગલાં લીધા નથી અને લેવાના પણ નથી. હું અલ્પેશ ઠાકોરના નજીક છું, અલ્પેશ ઠાકોર મારા રાજકીય ગુરુ છે. હું ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોર સાથે જ છું. હું મતદારોનો વિશ્વાસ ક્યારેય નહીં તોડું. હું કોંગ્રેસમાં જ રહીશ.'