કડી કેનાલમાં 5 લોકો સાથે કાર ખાબકી, જાણો - આ ઠાકોર દંપતિએ કેવી રીતે બહાદુરીથી એક કિશોરીનો જીવ બચાવ્યો
પતિ ટ્રેક્ટરના એક્સીલેટર ઉપર ચઢીને ઉભો થઈ ફૂલ સ્પીડે ટ્રેક્ટર ચલાવ્યું, પત્નીની સાડી કાઢી ચાર-પાંચ વાર પ્રયત્ન કર્યો અને બચાવી, ધ્રુજતી રડતી કિશોરીને પત્નીએ બાથમા ઘાલી તેનો શ્ર્વાસ હેઠો પાડ્યો


કેતન પટેલ, મહેસાણા : જિલ્લાના કડીના કરણનગરમાં ગતરોજ એક કાર કેનાલમાં ડૂબી હતી જેમાં 5 લોકો સવાર હતા અને પાંચેય લોકો આ કેનાલમાં ડૂબ્યા હતા, ત્યારે આ સમયે આ કેનાલની પાસેથી કરણનગરના ઠાકોર દંપતિ ટ્રેક્ટર લઈને જઈ રહ્યું હતું તે સમયે આ દંપતિ દ્વારા સાડીનો છેડો નાખી એક કિશોરીને બચાવી લીધા હતા, જ્યારે અન્ય ચાર ડૂબી ગયા ડૂબતા જીવને બચાવવા ટ્રેક્ટરના એક્સીલેટર પર ઉભા થઈ ફૂલ સ્પીડમા હંકારી પોતાનો જીવ જોખમમા નાખી એક કિશોરીને બચાવી હતી.


આ દંપતી સોમવારના દિવસે વહેલી સવારે તેમના ગામની સીમમા બહચારીપામાં આવેલ ખેતરમા તેમની પત્ની મધુબેન સાથે ટ્રેક્ટર લઈને ગયા હતા ત્યારે પોણા અગિયાર વાગ્યાના સુમારે પતિ અને પત્ની ટ્રેક્ટર લઈને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે સૌરાષ્ટ્ર તરફની નર્મદા કેનાલના બ્રિજ પરથી પસાર થતા પતિનું ધ્યાન ટ્રેક્ટર ચલાવવામાં હતુ, જ્યારે પત્નીએ થોડે દૂર વળાંકમાથી પૂર ઝડપે આવેલ કાર એકાએક ધૂળની ડમરીઓ ઉડાડતી કૂદીને કેનાલમા પડી.


ધૂળની ડમરીઓ જોરદાર ઉડતી હતી ત્યારે પત્નીએ પતિને કહ્યુ જ્લ્દી કરો કેનાલમા કોઈ પડ્યુ ત્યારે પતિ દ્વારા ટ્રેક્ટરના એક્સીલેટર ઉપર ચઢીને ઉભો થઈ ગયો અને ફૂલ સ્પીડમા આવી ટ્રેક્ટર પરથી નીચે ઉતરી જોયુ તો કારનો ઉપરનો ભાગ દેખાતો હતો. એક કિશોરી મોઢુ પાણી ઉપર રાખી તરફડીયા મારતી હતી, અને બીજીનો હાથ ખાલી દેખાતો હતો.


આજુબાજુ જોયુ બચાવવા માટે કેનાલમા નખાય તેવુ કંઈ દેખાયુ નહી. જેથી પતિએ પત્નીની સાડીને ઉતારીને સાડીનો એક છેડો પકડી સાડીનો દડો બનાવી એક વખત, બે વખત સાડી નાખી પણ પનો ટૂંકો પડ્યો. ત્રીજા પ્રયત્ને સાડીનો છેડો ડૂબતી કિશોરીના હાથમા આવી ગયો અને તેને અમે બંન્નેએ ખેંચીને બહાર કાઢી, કેનાલની પાળ પર બેસાડી ત્યારે ખૂબ ધ્રુજતી રડતી કિશોરીને પત્નીએ બાથમા ઘાલી તેનો શ્ર્વાસ હેઠો પાડ્યો હતો.


ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લાના કડી શહેર નજીક કરણનગર પાસે આવેલ કેનાલમાં આજે એક કાર ખાબકી હતી. આ કારમાં અંદાજીત 5 લોકો સવાર હતા. કાર કેનાલમાં ખાબકતાં પાંચ લોકો કેનાલમાં ડૂબ્યા હતા. જેમાંથી એક યુવતીનો આબાદ બચાવ થયો છે.