ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat Monsoon) મંગળવારે દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાયા છે. જેના કારણે રાજ્યાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં (Gujarat weather update) પલટો આવ્યો હતો. જેના કારણે અમરેલીના લાઢીમાં 2.76 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે ધંધુકામાં 34 એમએમ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ધોધમાર વરસાદની સાથે પવન પણ ફૂંકાયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ત્રણથી ચાર દિવસ વાદળિયું વાતાવરણ રહેવાની સાથે ગરમીમાં ઘટાડો થવાની આગાહી છે. ચારથી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી પણ કરવામાં આવી છે.
રાજ્યમાં મંગળવારે વરસાદ પહેલાની પ્રિ મોન્સૂન એક્ટિવિટી થઇ હતી. જેમા અમરેલીના લાઢીમાં 2.76 ઇંચ, ધંધુકામાં 1.36 ઇંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 18 એમએમ. લીબડીમાં 12 એમએમ, ભાવનગરના જેસરમાં 11 એમએમ વરસાદ ખાબક્યો હતો. આ સાથે બાવળામાં 9 એમએમ, રાણપુરમાં 6 એમએમ, ધોળકામાં 4 એમએમ, ધોલેરામાં 4 એમએમ, વિરમગામમાં 4, વલભીપુરમાં 2 અને ગરીઆધરમાં એક એમએમ વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં પણ મંગળવારે સાંજે 20થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. અમદાવાદમાં બપોર પછી પવનની દિશા બદલાઇને દક્ષિણ-પશ્ચિમી શરૂ થયા હતા. જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.2 ડિગ્રી અને સોમવાર કરતાં 0.6 ડિગ્રી ગગડીને 42 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27.9 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલે સાંજે અચાનક પલટો આવતાં 20થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. આ સાથે શહેરના કેટલાક વિસ્તારમાં છાંટા પડ્યા હતા.
જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો. જ્યાં રાજ્યભરમાંથી 50થી વધુ હવામાન નિષ્ણાતોએ ચોમાસાને લઈને અનુમાન જાહેર કર્યું હતુ. પશુ-પંખીની ચેષ્ઠા, કસ, હવામાન, ભડલી વાક્યો અને પ્રકૃત્તિના આધારે કરાતી આ આગાહી મુજબ ચોમાસું 12 આની રહેશે. એટલે કે, રાજ્યમાં ચોમાસું મધ્યમ રહેશે. જૂનના ત્રીજા સપ્તાહમાં ચોમાસું બેસવાની સંભાવના છે, જુલાઈ મધ્ય અને ઓગસ્ટની શરૂઆતમાં અતિવૃષ્ટિની શક્યતા છે. જ્યારે ચોમાસું ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં વિદાય લઈ શકે છે. જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં વધુ વરસાદ પડશે તો કચ્છ, સુરેન્દ્રનગરમાં ઓછો વરસાદ રહી શકે છે. કેટલાક આગાહીકારોએ વાવાઝોડાની પણ આગાહી કરી છે. તો કેટલાકના મતે કેટલાક જિલ્લામાં વરસાદની તંગીની સંભાવના છે.
રાજ્યમાં બુધવારથી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જે પ્રમાણે, રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આ પહેલા વહેલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, કેરળ પહોંચ્યા બાદ ચોમાસું થંભી જતા વરસાદ માટે રાહ જોવાનો વારો આવ્યો છે. બીજી તરફ વરસાદ અંગે આગાહી કરતા અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું રમઝટ બોલાવશે તેવી પણ આગાહી વ્યક્ત કરી છે.