

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે ગાંધીનગર ખાતે પ્રસિદ્ધ ગાયિકા અને પદ્મશ્રી અનુરાધા પૌંડવાલ તેમજ ભાવનગરના ગાયિકા વર્ષાબેન ત્રિવેદીને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરી શુભેચ્છા આપી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા સાધના સરગમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.


અત્રે ઉલ્લેખનીય છે એટલે કે, વિજેતા બંને કલાકારોને મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૨.૫૦ લાખ- રૂ. ૨.૫૦ લાખ એમ કુલ રૂ. ૫ લાખની ઇનામી રકમ ચેક સ્વરૂપે એનાયત કરાઇ હતી. આ એવોર્ડ એનાયત પ્રસંગે યુવા અને સાંસ્કૃતિક મંત્રી ઇશ્વરસિંહ પટેલ, વિભાગના અધિક મુખ્ય સચિવ સી. વી. સોમ તેમજ ગુજરાત સંગીત નાટક અકાદમીના અધ્યક્ષશ્રી પંકજભાઇ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.


તમને જણાવી દઈએ કે, કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે તાના-રીરી મહોત્સવ વડનગર ખાતે યોજવામાં આવે છે. મહોત્સવના પ્રથમ દિવસે વિવિધ ત્રણ વિશ્વ રેકોર્ડ સર્જાયા હતા.


મુખ્યમંત્રીએ વિશ્વ રેકોર્ડ કરનાર સંસ્થાઓને પ્રમાણપત્ર આપ્યું હતું. આ ઉપરાંત એવોર્ડી કલાકારો સહિત આજના દિવસે પરફોર્મ્સ કરનાર કલાકારોનું સ્વાગત સન્માન કરાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વતન વડનગરમાં દર વર્ષે દ્વિદિવસીય તાના-રીરી મહોત્સવનું આયોજન પ્રધાનમંત્રીની પ્રેરણાથી ર૦૦૩થી કરવામાં આવે છે. વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ ર૦૧૦ના વર્ષથી સિધ્ધહસ્ત મહિલા ગાયક સંગીતજ્ઞ, વાદ્ય કલાકારોને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા શરૂ કરી છે.