અરબી સમુદ્રમાં (Arabian sea) સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધ્યું છે. આ સિસ્ટમની અસરથી આગામી 20 ઓકટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદ (Rainfall) સાથે 25 ઓકટોબર સુધી રાજ્યમાં ગરમી-બફારાનું પ્રમાણ યથાવત રહેવાની સંભાવના છે. ત્યારે શનિવારની વાત કરીએ તો રાજ્યનાં (Gujarat) 86 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છનાં અંજારમાં (Kutch, Anjar) 3 ઇંચ, બારડોલી, ગાંધીધામમાં અઢી ઇંચ, નેત્રંગ, વિજાપુર, વ્યારામાં બે ઇંચ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જો કે, ડિપ્રેશન હવે ઓમાન તરફ આગળ વધી ગયું છે. નોંધનીય છે કે, શનિવારે અમદાવાદમાં પણ બફારા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. અમદાવાદનું લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 7 ડિગ્રી વધતાં લોકોએ દિવસ દરમિયાન ગરમીની સાથે અસહ્ય બફારાનો અનુભવ કર્યો હતો.