

ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે દક્ષિણ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદની સ્થિતિ યથાવત્ રહેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ સાથે હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરેલી છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે જેને કારણે રાજ્યના વાતાવરણમાં પલટા સાથે માવઠું થયું છે. હજુ આગામી 24 કલાક રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ રહેશે. 13 ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પરથી આગળ વધી જશે, જેના કારણે સોમવારથી રાજ્યમાં મોટાભાગના શહેરોમાં કાતિલ ઠંડી પડવાની શરૂઆત થશે.


શનિવારે અમરેલીમાં જાફરાબાદમાં દોઢ અને રાજુલામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા, ખાંભા પણ ભીંજાયા હતા. આ વરસાદથી આ વિસ્તારના ચણા, જીરું, ડુંગળી, કપાસ, શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે. પંચમહાલમાં ગોધરા, હાલોલ, કાલોલમાં વરસાદ પડ્યો હતો. મહીસાગર જિલ્લામાં પણ વરસાદને કારણે રવીપાકને ભારે નુકસાન થયું છે.


માવઠાને પગલેને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સર્વે કરવા અને સર્વેમાં જે કોઈ નુકસાન થયુ હોવાનું જણાશે તે પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી.