ગાંધીનગર : કોરોના મહામારીમાં (Coronavirus ion Gujarat) રાજ્ય સરકારે (Gujarat Government) મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં આંગણવાડી (Anganwadi) અને બાલમંદિર (Balmandir) ફરીથી શરૂ થવા જઈ રહ્યા છે. સોમવારે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ (Jitu Vaghani) જણાવ્યું કે, ગુરુવાર એટલે કે, 17 ફેબ્રુઆરીથી રાજ્યના બાલમંદિરો, આંગણવાડી તથા પ્રિ-સ્કૂલ શરૂ થઈ શકશે. જોકે, તેના માટે વાલીઓની સંમતિ જરૂરી છે. શિક્ષણકાર્ય દરમિયાન કોરોનાની ગાઈડલાઈન કરવું પડશે.
આ અંગે આજે સોમવારે, રાજ્યના સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુરુવાર એટલે કે 17 ફેબ્રુઆરીથી બાલમંદિર અને આંગણવાડીમાં પણ ઓફલાઈન વર્ગો શરૂ થશે. તે માટે વાલીઓની સંમતિ જરૂરી છે. શિક્ષણકાર્ય દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી શરૂ થયા બાદ રાજ્યમાં 15 માર્ચ 2020થી સ્કૂલો બંધ કરવામાં આવી હતી. ત્યારબાદથી આટલા લાંબા સમયગાળા બાદ નાના બાળકોના પણ વર્ગો શરૂ કરવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, રાજ્યમાં સાતમી ફેબ્રુઆરીથી ધોરણ 1થી 9નુ ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય ફરીથી શરૂ થયું છે. ત્યારે સરકારે જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ અને કોર ગ્રુપમા ચર્ચા કર્યા બાદ કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતા વિદ્યાર્થીના અભ્યાસમા મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. 7/2/22થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ 1થી 9નું ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.
મહત્ત્વનું છે કે, ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર હવે શાંત પડતી લાગી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસોમાં (covid-19 case) એકદમથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે 13 ફેબ્રુઆરીએ, ગુજરાતમાં કોરોના વાયરસના કેસો અંગેની વાત કરીએ તો કોરોનાના કેસો 1000ની નજીક પહોંચી ગયા છે. ગુજરાતમાં 1274 કેસ નોંધાયા હતા. જ્યારે 3022 દર્દીઓ સાજા થયા છે. બીજી તરફ દર્દીઓના મોતની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. રવિવારે કોરોનાથી 13 દર્દીઓના મોત નીપજ્યા હતા.