બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા, ગુજરાતમાં 23 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 21 ઓગસ્ટથી એટલે શુક્રવારથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે. 22 તથા 23 ઓગસ્ટના રોજ ગુજરાતમાં કેટલાક સ્થાને ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉતર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદનું જોર રહેશે. જ્યારે 23 ઓગસ્ટે વધુ એક લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાશે જે આગામી દિવસોમાં ગુજરાતમાં વધુ વરસાદ લાવશે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો સરેરાશ 85 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના 7 તાલુકા હજુ પણ એવા છે જ્યાં વરસાદની ઘટ છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 તાલુકા એવા છે જ્યાં અતિવૃષ્ટિ થતાં ખેતરોમાં પાણી ભરાયેલાં છે અને ખેડૂતોને ચોમાસુ સિઝનમાં ભારે નુકસાનની આશંકા છે. ભારે વરસાદની આગાહીના પગલે તમામ વિભાગોને અલર્ટ રહેવા અને આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશનરે તાકીદ કરી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. આ ટીમો જરૂર જણાયે ઉત્તર ગુજરાતમાં ૫ણ મોકલવામાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ યથાવત રાખવામાં આવશે. ભારે વરસાદની આગાહીના ૫ગલે તમામ વિભાગોને સાવધાન રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારી કરવા પણ સૂચના આપવામાં આવી છે.
<br />23 ઓગસ્ટના આ વિસ્તારમાં વરસાદની આગાહી - ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, દીવ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, વલસાડ અને દમણમાં ધોધમાર વરસાદ પડી શકે છે.