ગુજરાતમાં (Gujarat) વરસાદ (Monsoon) અંગે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગાંધીનગરમાં (Gandhinagar) વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી. જેમાં રાહત નિયામકે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઇ સાયક્લોનિક સિસ્ટમ (Cyclonic System) સક્રિય નથી તેથી ગુજરાતમાં વરસાદની શક્યતા નહીંવત છે. નોંધનીય છે કે, પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે, તારીખ 10થી 12 સપ્ટેમ્બરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સાથે 12મી તારીખે પવન સાથે ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી.
રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે વહેલી સવારે ઠંડા પવન અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. વરસાદે વિરામ લેતા તાપમાનમાં એકા એક વધારો થયો છે. મહત્તમ તાપમાન 35 ડીગ્રી આસપાસ પહોંચી ગયું છે. તાપમાન વધતા ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. હાલના દિવસોમાં બે ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, 10થી 12 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઓડિશાના નોર્થ કોસ્ટલ પર લો પ્રેસર સર્જાયું છે જે આગામી ચોવીસ કલાકમાં પશ્ચિમ તરફ આગળ વધીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ડીપ ડિપ્રેશન હેઠળ છૂટાછવાયા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થશે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી અઠવાડિયાથી ઉત્તરાખંડ, યુપી, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત, વિદર્ભ અને પૂર્વી રાજસ્થાનમાં ચોમાસું સક્રિય થશે જેને કારણે આ રાજ્યોમાં વરસાદ પડશે. તેની સીધી અસર ખરીફ પાક પર પડશે. જોકે તેને કારણે ખેડૂતોને સિંચાઈ કરવાની જરૂર નહીં રહે.