

નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી સરહદ પર ખેડૂતોના આંદોલનનો આજે 11મો દિવસ છે. ત્યાં હજારોનીસંખ્યામાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. આ ખેડૂત આંદોલનને ગુજરાત કોંગ્રેસે પણ પોતાનો ટેકો જાહેર કર્યો છે. ગુજરાત કોંગ્રેસ આજે, રવિવારે, ગાંધીનગરના સેક્ટર-6 સ્થિત સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પ્રદર્શન કરી રહ્યાં છે. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા, હાર્દિક પટેલ, અર્જૂનભાઇ મોઢવાડિયા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ ઉપસ્થિત રહ્યાં છે.


કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આ ધરણામાં કાળા કપડા પહેરીને આવ્યા હતા. તેમણે આ બિલને કાળો કાયદો ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે, 'આખા દેશમાં ભાજપની કિસાન વિરોધી નીતિઓને કારણે ખેડૂતો આંદોલનના માર્ગે છે. છેલ્લા કેટલા દિવસથી કિસાન કડકડતી ઠંડીમાં રસ્તા પર બેસીને વિરોધ કરી રહ્યાં છે. સરકાર વાટાઘાટો કરીને આ પ્રશ્નનું નિવારણ લાવવાને બદલે કિશાન પર અત્યાચાર કરી રહી છે.આ સંજોગોમાં કિશાનોના સમર્થનમાં તેમના આંદોલનના સમર્થનમાં કૉંગ્રેસ ઉભી છે. ગુજરાત કૉંગ્રેસ પહેલા જિલ્લા કક્ષાએ આંદોલનો થયા અને આજે પ્રદેશ કક્ષાએ ધરણા અને પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ છે. સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે, તમે અન્નદાતાને દુખી કરીને તમે ક્યાંય સત્તા ટકાવી નહીં શકો.આજે ખેડૂત રસ્તા પર ઉતર્યો છે તેના સમર્થનમાં આખો દેશ રસ્તા પર ઉતરશે. સરકારની નીતિ અને નિયત બંન્ને કિસાન વિરોધી છે'.


કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વાત કરતા જણાવ્યું કે, સરકાર કહે છે કે, 'એમએસપી રહેશે તો, કૃષિ બિલની અંદર તેનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો નથી. આ સાથે બિલમાં એપીએમસી માર્કેટનો પણ કેમ ઉલ્લેક કરવામાં નથી આવ્યો. સવાલ બહું સ્પષ્ટ છે. પહેલીવાર કંઇ એવું બન્યું કે, સરકાર પાસે કંઇ માંગવામાં નથી આવી રહ્યું પરંતુ આપેલી વસ્તુઓનો વિરોધ થઇ રહ્યો છે. ખેડૂતોને એટલું જ કહીશ કે 7/12ની નકલમાં તમારે નામ રાખવું હોય તો 8-12ના ભારત બંધના એલાનને સમર્થન આપો.'