

ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. જેના પગલે ગુજરાતમાં (Gujarat) પણ કોલ્ડવેવની (Coldwave) સ્થિતિ રહેશે. રાજ્યમાં ત્રણ દિવસ કાતિલ ઠંડી પડશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ ઉત્તર દિશાનો પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. જેના કારણે આગામી 3 દિવસ દરમિયાન કોલ્ડવેવની સ્થિતિ રહેશે. આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં આગામી બે દિવસમાં તાપમાન 7 ડિગ્રી સુધી ઘટે તેની પૂરી સંભાવના છે.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 29 ડિસેમ્બરના રોજ અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને જૂનાગઢ જ્યારે 30મી ડિસેમ્બરના રોજ અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને જૂનાગઢ તથા 31 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢમાં ઠંડીનું જોર રહેશે. રાજ્યમાં કાતિલ ઠંડી બાદ ઠંડીનું જોર ઘટવાની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


સોમવારે 8 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેમાં નલિયા 3.2 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું છે. અમદાવાદમાં 8.3 ડિગ્રી સાથે વર્તમાન સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લામાં 'સિવિયર' કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.


હવામાન ખાતાના અધિકારીઓના કહેવા પ્રમાણે 31મી ડિસેમ્બર સુધી દેશભરમાં ઠંડી વધશે. કાશ્મીર-હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થતાં બર્ફિલો પવન ફૂંકાયો હતો. પાટનગર દિલ્હીમાં ગાઢ ઝાકળ સાથે ઠંડો પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગના કહેવા પ્રમાણે, ઉત્તર ભારતના રાજ્યોમાં શીતલહેર સાથે કડકડતી ઠંડી પડશે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનનો પારો સતત ગગડશે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, પશ્વિમ બંગાળ, ઓડિશા, રાજસ્થાન, ગુજરાત પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે. આ રાજ્યોના ઘણાં સ્થળોએ તાપમાનનો પારો ત્રણથી પાંચ સુધી પહોંચી જવાની શક્યતા છે.