

કોરોના વાયરસનો કહેર આખા વિશ્વમાં ફેલાઇ રહ્યો છે ત્યારે લોકોએ તેની સાથે જીવતા શીખીને પોતાના રોજબરોજનાં કામો શરૂ કરી દીધા છે. સામાન્ય લોકોની સાથે ગુજરાતનાં અનેક નેતાઓ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.


સૌથી પહેલા 10 એપ્રિલનાં રોજ અમદાવાદનાં જમાલપુર ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમને શહેરની એસવીપી હૉસ્પિટલમાં દાખલ કર્યા હતાં. જ્યાં તેમને કોરોનાને મ્હાત આપી હતી.


કોંગ્રેસના કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા અને બહેરામપુરાના વર્તમાન કોર્પોરેટ બદરુદ્દીન શેખ તેમજ તેમની પત્નીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રહેતા કોંગી કોર્પોરેટ બદરુદ્દીન શેખ અને તેમની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોંગ્રેસના બીજા નેતા કોરોનાની લપેટમાં આવી ગયા હતા. 27 એપ્રિલે બદરુદ્દીન શેખનું કોરોના વાઇરસને લીધે મૃત્યુ થયું છે. અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલમાં શેખની સારવાર ચાલતી હતી.


79 વર્ષીય શંકરસિંહ વાઘેલાનો 27 જૂને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. માત્ર 10 દિવસમા બાપૂએ કોરોના સામેની જંગ જીતી ગયા હતા. તેઓનો રિપોર્ટ નેગેટિવ આવતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પહેલાં તેઓ પોતાના નિવાસસ્થાન વસંતવગડામાં હોમ ક્વોરન્ટાઈન થયા હતા. જોકે, તેઓની તબિયત લથડતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ શંકરસિંહની હાલતમાં સતત સુધારો આવતો હતો. તેઓએ કોરોનાને મ્હાત આપી છે.


કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ 22મી જૂનનાં રોજ આવ્યો હતો. તેમને પહેલા વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાજ્યસભા ચૂંટણી બાદ તેમની તબિયત નાદુરસ્ત હોવાથી તેમણે રિપોર્ટ કઢાવ્યો હતો. ભરતસિંહ સોલંકીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયત વધુ નાદુસ્ત થતાં તેઓને તાબડતોડ રીતે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભરતસિંહને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવી રહ્યા છે. હાલ તેઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.


કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો સાતમી જુલાઇનાં રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેમને જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. હાલ તેઓ હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.