પેજકમિટી એ દરેક પ્રકારની ચૂંટણી જીતવાનું બ્રહ્માસ્ત્ર છે : સી.આર.પાટીલ
મુુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રજાના સમર્થનથી આઠેય બેઠકો પર ભાજપાનો ભવ્ય વિજય થવાથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધ્યો છે,


મયૂર માંકડિયા, રાજકોટ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અનુસંધાને ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ બેઠકો યોજાઇ હતી. પ્રદેશ અગ્રણીઓ અને પ્રદેશ યુવા મોરચાની બેઠક બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોન તેમજ ઉત્તર અને મધ્ય ઝોન એમ બે તબક્કામાં પ્રદેશ બેઠક યોજાઇ હતી. જેમાં પ્રદેશ હોદ્દેદારઓ, પ્રદેશ દ્વારા નિયુક્ત જિલ્લાના ઇન્ચાર્જઓ, જિલ્લા ભાજપા પ્રમુખઓ તેમજ સ્થાનિક સ્તરે નિમાયેલા જિલ્લાના ઇન્ચાર્જઓ ઉપસ્થિત રહ્યા હતા.


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રજાના સમર્થનથી આઠેય બેઠકો પર ભાજપાનો ભવ્ય વિજય થવાથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધ્યો છે, જ્યારે બીજી તરફ જનસમર્થન ગુમાવી ચુકેલી કોંગ્રેસ હતાશામાં છે, તુટી રહી છે, વેરવિખેર થઇ રહી છે, ડૂબતું નાવ છે. આગામી ચૂંટણીમાં ભાજપા માટે અનુકૂળ વાતાવરણ છે ત્યારે આપણે સૌ સંગઠનની વ્યવસ્થાને વધુ મજબુત કરીએ. શ્રી 25 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને કરેલા સંબોધનના કાર્યક્રમને નિહાળવાનો કર્યક્રમ ભાજપાના કાર્યકર્તાઓએ રાજ્યના હજારો ગામડાઓમાં સફળતાપૂર્વક કરી ને પોતાની શક્તિનો પરિચય આપી દીધો છે. કાર્યકર્તાનું આયોજન અને પ્રજાનું સમર્થન આ કાર્યક્રમમાં જોવા મળ્યું છે. પ્રત્યેક કાર્યકર્તાને હું અભિનંદન પાઠવું છું.


વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જયોતિગ્રામ જેવી અસરકારક અને ઐતિહાસિક યોજના બાદ હવે ગુજરાતના ખેડૂતો દિવસે કામ અને રાત્રે આરામ કરે તે હેતુથી તેમને દિવસે વીજળી આપવા કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ થઈ ચૂક્યો છે. રીન્યુએબલ એનર્જી, સોલાર એનર્જીથી વીજબીલમાં બચત સાથે નવી સોલાર પોલિસીથી દેશમાં આપણે અગ્રેસર રહી ઉદાહરણરૂપ બનીશું. ગામ લેવલે જ "ઈ સેવા સેતુ "દ્વારા તમામ પ્રકારનાં દાખલાઓ મળે તેવી વ્યવસ્થા ૭૫૦૦ ગામમાં શરૂ થઈ ગઈ છે. માર્ચ સુધીમાં ૧૮૦૦૦ તમામ ગામમાં લાગુ કરવા માટે કામ થઈ રહ્યું છે. કોરોનામાં મફત અનાજ , સંપૂર્ણ મફત સારવાર, ધન્વંતરી રથ, અને ૧૦૮ની સુવિધાએ લાખો લોકોનાં જીવ બચાવવાનું કામ કર્યુ છે. ગામડા અને શહેરમાં એમ તમામ સ્થાનોએ વસતા નાગરિકોની દરકાર કરીને ભાજપાની સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, અને તેનો લાભ પ્રત્યક્ષ રીતે નાગરિકોને મળ્યો છે અને એટલે જ દરેક ચૂંટણીઓમાં ભાજપાને જનતા વિજયી બનાવી રહી છે.


ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે રાજ્યભરમાં ભાજપા દ્વારા ચાલી રહેલ પેજસમીતિ અભિયાનની સમીક્ષા કરી હતી અને જણાવ્યું હતું કે, પેજકમિટી એ દરેક પ્રકારની ચૂંટણી જીતવા માટે નું બ્રહ્માસ્ત્ર છે. ગુજરાતમાં આજે ચારેય બાજુ ભાજપના કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક પેજકમિટીની રચનાના કામમાં જોડાયા છે, સુરતનું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું કે, ડોક્ટરો, વકીલો સહિતના બુદ્ધિજીવી વર્ગના પ્રતિષ્ઠિત નાગરિકો પણ ભાજપાની પેજ સમિતિનો હિસ્સો બની રહ્યા છે તે આનંદની વાત છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સરકારની પ્રજાલક્ષી કામગીરી, કાર્યકર્તાઓની તાકાત અને જનતાના ભાજપ પ્રત્યેના અતૂટ વિશ્વાસથી ભાજપની તરફેણમાં પરિણામ આવશે તેવું મને સંપૂર્ણ વિશ્વાસ છે.


સી આર પાટીલે જણાવ્યું હતું કે, આજે કિસાન આંદોલનના નામે દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ફક્ત બે રાજ્યોમાં રાજકીય બદઇરાદાથી ચાલી રહેલા આંદોલનને સમગ્ર દેશના ખેડૂતોનું આંદોલન દર્શાવવી ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ગુજરાતના ખેડૂતોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમલમાં મુકાયેલા કૃષિ સુધારાઓને સમર્થન આપી વિરોધીઓના ખેડૂતોને ભ્રમિત કરવાના ઈરાદાની હવા કાઢી નાખી છે. રાજ્યના પ્રત્યેક જીલ્લાના ભાજપા કાર્યકર્તાઓ સરકારની જનકલ્યાણની માહિતી જન-જન સુધી પહોંચતી કરવા તેમજ વિપક્ષના જુઠ્ઠાણાને ઉજાગર કરવા સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરે તે સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. ભાજપા સરકારે કરેલી અભૂતપૂર્વ કામગીરીનું ભાથું લઈને જનતા સમક્ષ જવા શ્રી પાટીલે બેઠકમાં ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.


પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ સંવાદ સેતુના માધ્યમથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગતની સ્થાનિક સ્તરની સંગઠનાત્મક વ્યવસ્થાઓ અંગે તેમજ તાજેતરમાં રાજ્યભરમાં ભાજપા દ્વારા યોજાયેલ વિવિધ કાર્યક્રમો અંગે રિપોર્ટિંગ લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને આગામી સમયમાં ભાજપા દ્વારા યોજાનાર કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી. રાજ્ય સરકારના મંત્રી સૌરભભાઈ પટેલે કિસાન સૂર્યોદય યોજનાના આગામી તબક્કા અને આજરોજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગુજરાત સોલાર પાવર પોલિસી અંગે માર્ગદર્શન આપ્યું હતું.