આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : જલ જીવન મિશન (Jal Jivan Mission) અંતર્ગત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની (Rashtrapita Mahatma Gandhi ) જન્મ જયંતિ તા. ર ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi) દેશભરની અલગ અલગ ગ્રામ પંચાયતોની સાથે ગુજરાતની પણ એકમાત્ર બનાસકાંઠા (Pipli village, Banaskantha) જિલ્લાની પીંપળી ગામના ગ્રામજનો સાથે સવારે 11 વાગે સીધો સંવાદ કરશે.જે નિમિત્તે આજે તૈયારી ના ભાગરૂપે જિલ્લા કલેક્ટરે પીંપળી ગામની મુલાકાત લેતા અત્યારે ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. આ ગામ દેશનું પ્રથમ નીરોગી ગામ બન્યુ છે.
પાલનપુર તાલુકાના પીંપળી ગ્રામ પંચાયતના સરપંચ, સદસ્યો અને ગ્રામજનો દ્વારા પાણી, ગટર, શૌચાલય સહિત ગ્રામ્ય સુખાકારીને લગતી તમામ કામગીરી સુંદર રીતે કરવામાં આવી છે. તેની નોંધ લઇ આ ગામના ગ્રામજનો સાથે વડાપ્રધાન જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે. જિલ્લાના અન્ય ગામો પણ આ ગામમાંથી પ્રેરણા મેળવી સારી કામગીરી કરવા પ્રયત્નશીલ બનશે.
વડાપ્રધાનના સંવાદને લઈ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓએ આજે ગામની મુલાકાત લીધી હતી. પાલનપુર તાલુકાના પીંપળી ગામની કુલ વસતી ૨૪૪૪ છે અને ૭૧૫ ઘરો છે. આ ગામમાં તમામ ઘરો ૧૦૦ ટકા નળ કનેક્શનથી જોડાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગ્રામજનો સાથેના સીધા સંવાદને લઇ પીંપળી ગામમાં અત્યારે દિવાળી જેવા માહોલ સર્જાયો છે. ગ્રામજનોનું માનવું છે કે, આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગ્રામજનો સાથે સીધા સંવાદમાં અમારા પીંપળી જેવા નાના ગામની પસંદગી કરી એ અમારા માટે ગૌરવની બાબત છે.
આ ગામમાં તમામ લોકોને ઘેર ઘેર નળ કનેક્શનથી જોડવામાં આવ્યા છે. આ ઉપરાંત ગટર વ્યવસ્થા અને ૧૦૦ ટકા શૌચાલય સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પાણીની ગુણવત્તાની ચકાસણી પાણી સમિતિના સભ્યો, આશા વર્કર બહેનોને વાસ્મો કચેરીના વોટરક્વોલીટી સ્ટાફ દ્વારા તાલીમ આપી ફિલ્ડ ટેસ્ટ કીટ આપવામાં આવી છે. જેથી પાણી સમિતિના સભ્યો પાણીના સેમ્પલ લઇ પાણીની ગુણવત્તાની જાતે ચકાસણી કરી શકે છે.