

પાલનપુર: પાલનપુર સિવિલ હૉસ્પિટલ (Palanpur civil hospital)માંથી એક એવી ઘટના સામે આવી છે જેની ચારેતરફ ટીકા થઈ રહી છે. આ ઘટનાની નોંધ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ લીધી છે. આ મામલે રાષ્ટ્રીય આયોગે કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરીને તપાસ કરવાની સૂચના આપી છે. મળતી માહિતી પ્રમાણે અહીં એક ડૉક્ટરે (Doctor) મહિલાના ગર્ભાશયનું ઑપરેશન કર્યું હતું. જે બાદમાં વાહવાહી મેળવવા માટે ઑપરેશનના ફોટો સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ કર્યા હતા. ડૉક્ટરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા લખ્યું હતું કે, દર્દીના ગર્ભાશયની કોથળી ફાટી જતાં તાત્કાલિક ઑપરેશન કરીને માતાની જિંદગી બચાવવામાં આવી હતી. (તસવીર: ડૉક્ટર)


ઑપરેશનના 24 કલાકમાં મહિલાનું મોત: પાલનપુર સિવિલ હૉસ્પિટલના ગાયનેક ડૉક્ટર રાહુલ પટેલે એક મહિલાના ગર્ભાશયનું ઑપરેશન કર્યું હતું. ઑપરેશન દરમિયાનની તસવીરો પણ લેવામાં આવી હતી. ઑપરેશન બાદ ડૉક્ટર રાહુલ પટેલે સોશિયલ મીડિયા પર વાહવાહી મેળવવા માટે મહિલાના ઑપરેશનની તસવીરો સોશિયલ મીડિયામાં મૂકી હતી. આવું કરીને તબીબે વાહવાહી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઑપરેશનના 24 કલાકમાં જ મહિલાનું નિધન થયું હતું. ડૉક્ટરના આવા કૃત્યની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે.


પરિવારના લોકોને આ વાત ધ્યાનમાં આવતા તેમણે ડૉક્ટર સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ કરવામાં આવ્યા બાદ મહિલા આયોગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને આ કેસમાં ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી છે. આ મામલે ન્યૂઝ18 ગુજરાતીએ ડૉક્ટરની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.


ડૉક્ટરને નોટિસ પાઠવવામાં આવશે: આ મામલે પાલનપુર સિવિલ હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ભરત મિસ્ત્રીએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "ઑપરેશન દરમિયાનના ફોટો ડૉક્ટર કે અન્ય કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વાયરસ કર્યા છે. આ કેસમાં ડૉક્ટરને નોટિસ પાઠવીને ખુલાસો પૂછવામાં આવશે. આ મામલે અમને કોઈ યોગ્ય પ્રત્યુતર નહીં મળે તો ડૉક્ટર સામે પગલાં લેવામાં આવશે."


ભરત મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "ડૉક્ટર ભરત પટેલ બનાસ મેડિકલ કૉલેજ ટ્રસ્ટ તરફથી પગાર મેળવે છે. મારી જાણ પ્રમાણે સૂચના બાદ તસવીરો હટાવી દેવામાં આવી છે. કોઈ પણ દર્દીના ઑપરેશનને લગતા ફોટો દર્દીની સહમતી વગર સોશિયલ મીડિયામાં જાહેર કરવા યોગ્ય નથી. ફોટો મૂકવા હોય તો દર્દીની સહમતી જરૂરી છે. ડૉક્ટર ભરત પટેલે કે પછી અન્ય કોઈ વ્યક્તિએ ફોટો મૂક્યા છે તેની તપાસ બાદ અમે પગલાં ભરીશું."