

આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે તેની સીધી અસર ગુજરાત અને રાજસ્થાનમાં પણ જોવા મળી રહી છે, જેથી રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ પણ ઠંડુગાર બની ગયું હતું. અહીં આજે માઇનસ 5 ડિગ્રી તાપમાન નોંધાતા સહેલાણીઓ સહિત માઉન્ટ વાસીઓ પણ ઠંડીમાં ઠુઠવાઈ ગયા હતા.


કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલી હિમવર્ષાને પગલે તેની સીધી અસર ગુજરાત અને રાજસ્થાનમાં પણ થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો 9 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો અસહ્ય ઠંડીનો સામનો કરી રહ્યા છે, ત્યારે રાજસ્થાનના પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પારો ગગડતાં સહેલાણીઓ કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે.


આજે માઉન્ટ આબુ ના સૌથી ઊંચા ગુરુ શિખર પર માઇનસ 5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. માઉન્ટ વાસીઓની સાથે સાથે બહારથી ફરવા આવેલા સહેલાણીઓ પણ કાતિલ ઠંડીનો સામનો કરી રહયા છે. માઉન્ટમાં સવારે 11 વાગ્યા સુધી હાડ થીજવતી ઠંડીના કારણે લોકો બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી. કડકડતી ઠંડીથી પોલોગ્રાઉન્ડ પરનું ઘાસ તેમજ પાણીના કુંડા તેમજ નખી લેકની બોટ માં પણ બરફ જામી ગયો હતો.