

આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠાના (Banaskatha) સિયા ગામેથી પિયર જવા માટેની નીકળેલી મહિલાની તેની પુત્રી (Mother Daughter) સાથે લાશ મળી આવી છે. બનાવને પગલે ભીલડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરતા જાટકા મશીન ના કરંટથી માતા-પુત્રીનું મોત (Death) થયું હોવાનું અનુમાન છે.બનાસકાંઠામાં ડીસા તાલુકાના સણથ ગામે થી માતા પુત્રીની લાશ મળી આવી હોવાની ઘટના સામે આવી છે.


કાંકરેજ તાલુકાના સિયા ગામના રતનભાઇ રબારીની પત્ની ગીતાબેન અને તેમની પુત્રી મીનલ ત્રણ દિવસ અગાઉ પિયર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા અને ત્રણ દિવસ બાદ ડીસા તાલુકાના સણથ ગામે અમરતભાઈ રબારીના ખેતરમાંથી માતા પુત્રીની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ ભીલડી પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી જ્યાં તપાસ કરતાં માતા-પુત્રીના શરીર પર કરંટ લાગ્યા નિશાન મળ્યા હતા.


જેથી પ્રાથમિક દ્રષ્ટીએ જોતા બટાટાના પાકને પશુઓથી બચાવવા શેઢા પર ઝાટકા મશીનના તાર લગાવવામાં આવ્યા હતા અને આ તારને અડતા ઝટકા મશીનનો કરંટ લાગતા માતા-પુત્રીનું મોત થયું હોવાનું અનુમાન છે. પોલીસે માતા પુત્રીની લાશ ને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ઉલ્લેખનીય છે કે ખેતરમાં પાકને ભૂંડ કે રોજડા થી બચાવવા માટે અનેક જગ્યાએ ઝટકા મશીનનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના કારણે અનેક વાર નાના-મોટા અકસ્માતોમાં પશુઓ અને નિર્દોષ લોકોના મોત થતા હોવાની ઘટનાઓ બનતી હોય છે.