મહેન્દ્ર અગ્રવાલ, બનાસકાંઠા: મૂળ પાટણ બાલીસણાના રહેવાસી અને અમેરિકા ખાતે સ્થાયી થયેલા પટેલ બ્રધર્સ (Patel brothers)ના બેનર હેઠળ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર (Indian grocery store) ચલાવતા મહેન્દ્રભાઈ પટેલે (Mahendra Patel) આજે શક્તિપીઠ અંબાજી (Ambaji temple)માં રૂપિયા 48 લાખની કિંમતનું એક કિલો સોનું ભેટ ચઢાવ્યું છે. મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાઈ હર્ષદભાઈ પોતે અમેરિકા (America) ખાતે સ્થાયી થયેલા છે. તેઓ પૂનમ ભરવા અંબાજી આવતા રહેતા હોય છે. જોકે, છેલ્લા લાંબા સમયથી તેઓ અંબાજી ખાતે માતા અંબાના દર્શને આવી શક્યા ન હતા. (તસવીર: મહેન્દ્ર પટેલ વતી તેમના પરિવારે અંબાજી મંદિરને સોનાનું દાન કર્યું)
આથી તેમણે પોતાની ઈચ્છા અનુસાર એક કિલો સોનું તેમના પરિવારજનોના હસ્તે અંબાજી મોકલી આપ્યું હતું. આજે મંદિર પરિષર ખાતે સોના સાથે તેમના પરિવારના લોકો આવી પહોંચતા તેમનું અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરાયું હતું. મા અંબાના નીજ મંદિરના ગર્ભગૃહ આગળ એક કિલો સોનું અર્પણ કરીને મહેન્દ્રભાઈ પટેલના પિતાએ પોતાના પુત્રોની દાન આપવાની ઈચ્છા પૂર્ણ કરી હતી. (તસવીર: મહેન્દ્ર પટેલ)
એક કિલો સોનું દાનમાં આપનાર મહેન્દ્રભાઈના પિતા નટવરલાલ પટેલે (Natvarlala Patel) જણાવ્યું હતું કે, "મારા બે દીકરા મહેન્દ્ર પટેલ અને હર્ષદ પટેલ અમેરિકા રહે છે. બંનેને મા અંબા પર ખૂબ શ્રદ્ધા છે. બંનેની ઘણા લાંબા સમયથી સોનાનું દાન કરવાની ઇચ્છા હતી. આજે એક કિલોગ્રામ સોનું દાનમાં આપ્યું છે. તમામ શ્રદ્ધાળું જો ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આપે તો મંદિરને સોનાથી મઢવાનું કામ વહેલામાં વહલી તકે પૂર્ણ થઈ શકે છે. અમે સ્વેચ્છાએ આ સોનું દાનમાં આપ્યું છે, અમારે કોઈ માનતા ન હતી. અમે પાટણના ધાયણોજના જહુ માતાના ભગત છીએ. અમે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા વખતે લગભગ ત્રણ કરોડનું દાન આપ્યું છે."