

આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (local body election) પૂર્વે જ દારૂની (liquor caught) મસમોટી હેરાફેરી ઝડપાઈ છે. જેમાં દારૂ ભરેલા ટ્રેલર સહિત કુલ 38.68 લાખ રૂપિયાનો મુદ્દામાલ તેમજ બે આરોપીઓની છાપી પોલીસે (chhapi police) અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


મળતી માહિતી પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, વિધાનસભા કે પછી લોકસભાની ચૂંટણી હોય પરંતુ ચૂંટણીમાં દારૂની રેલમછેલ થઈ ન હોય તેઓ કદાચ ભાગ્યે જ બન્યું હશે ત્યારે હવે ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પહેલા બુટલેગરો અત્યારથી જ દારૂ સ્ટોક કરવા લાગ્યા છે.


પાલનપુર તાલુકાના છાપી હાઇવે પરથી પણ પોલીસે દારૂ ભરેલા ટ્રેલર ને ઝડપી પડ્યું છે. દારૂ ભરેલું આ ટ્રેલર રાજસ્થાનથી બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર થઈ અન્ય જિલ્લાઓમાં દારૂ ભરીને જઈ રહ્યું હતું. પોલીસને ખાનગી રાહે બાતમી મળતા જ આ ટ્રેલરને છાપી પાસે થોભાવી તલાસી લેતાં તેમાંથી દારૂની 25940 બોટલ મળી આવી હતી.


જેથી પોલીસે દારૂ અને ટેલર સહિત કુલ 38.68 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જ્યારે ટ્રેલર ચાલક શ્રવણ રામચંદ્ર જાટ તેમજ એક કિશોર સહિત બે લોકોની અટકાયત કરી છે, છાપી પોલીસે બંને લોકો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં દારૂની બદીને અટકાવવા માટે પોલીસ સક્રીય બની છે , બે દિવસ અગાઉ જ જિલ્લા કલેક્ટરે પણ અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલા બુટલેગરો સામે પાસાની કાર્યવાહી કરી છે તેમ છતાં પણ બેફામ બનેલા બુટલેગરો દારૂની હેરાફેરી કરતા અટકતા નથી જેની સામે પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે.