

આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના (Banaskatha) દાંતીવાડામાંથી એક કરૂણ ઘટના સામે આવી છે. આ ઘટનામાં ખેતરમાં રમતી એક બાળકીને બંદૂકની (Girl Injured in firing) ગોળી વાગી ગઈ હોવાનું સામે આવ્યું છે. જોકે, અચરજ પમાડતી બાબત એ છે કે બાળકીને ગોળી (Bullet found from Stomach) વાગી ત્યારે ખબર પણ પડી નહોતી કે ગોળી વાગી છે પરંતુ પેટમાં દુ:ખાવો થતા હૉસ્પિટલમાં દાખલ કરી હતી અને પેટમાંથી ગોળી નીકળી.


આ અંગે પીડિત બાળકીનું ઑપરેશન કરી ગોળી કાઢવામાં આવી છે. તેના ભાઈએ જણાવ્યું કે 'મારી બહેન ખેતરમાં રમતી હતી ત્યારે તેને આ ગોળી વાગી હોવાનું અનુમાન છે. અમારા ખેતરની નજીક ફાયરિંગ રેંજ છે અને તેમાં BSF ,SRP અને પોલીસ દ્વારા અવારનવાર ફાયરિંગની પ્રેક્ટિસ થાય છે. હવે સરકાર અમને મદદ કરે તેવી અમારી અપીલ છે.'


જોકે, ઘટના વિગત એવી છે કે 4 ડિસેમ્બરના રોજ બાળકીને પેટમાં દુ:ખાવો ઉપડતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન એક્સરેમાં ગોળી હોવાનું સામે આવ્યું હતું. આ ગોળી કાઢી હાલ તો ઑપરેશન કરી અને બાળકીના પેટમાં નળી મૂકવામાં આવી છે. બાળકીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.


પરિવાર સરકાર પાસે મદદની અપીલ કરી રહ્યો છે. જોકે, ફાયરિંગ રેંજ આટલી અસુરક્ષિત કઈ રીતે હોઈ શકે તેના અંગે પણ ગંભીર સવાલો સર્જાયા છે ત્યારે આ અંગે BSF તરફથી કોઈ સત્તાવાર નિવેદન મળ્યું નથી. બાળકીને પિતાએ બનાવ અંગે દાંતીવાડા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે.