

મહેન્દ્ર અગ્રવાલ, બનાસકાંઠા: આવતીકાલ એટલે કે 17 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી (Navratri 2020)નો પ્રારંભ થઇ રહ્યો છે. નવરાત્રીની ખેલૈયાઓ આતુરતાથી રાહ જોતા હોય છે પરંતુ આ વખતે કોરોનાએ નવરાત્રીની મજા બગાડી છે. કોવિડ-19ને કારણે ચાલુ વર્ષે કોઈ પણ જાતના ગરબાનું આયોજન કરાશે નહીં. સાથે સાથે કેટલાક મંદિરો પણ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે નવરાત્રી દરમિયાન બંધ રહેવાના છે. નવરાત્રી દરમિયાન ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મા મંદિર (Shaktipeeth Shri Aarasuri Amba Ji Temple)દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં નવરાત્રી દરમિયાન કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.


આવતીકાલે અંબાજી મંદિરમાં સવારે 7.30 કલાકે મંગળા આરતી કરાશે, બાદ ઘટ સ્થાપન વિધિ કરાશે. નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરમાં ત્રણ આરતી કરવામાં આવશે. જેમાં સવારે મંગળા આરતી, બીજી ઘટ સ્થાપનની આરતી અને ત્રીજી સાયંકાલ આરતી સાંજે 6.30.કલાકે કરવામાં આવશે. આરતી દરમિયાન યાત્રિકોને મંદિરમાં પ્રવેશ અપાશે નહીં. આરતી પૂર્ણ થયા બાદ શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઇ શકશે.


ચાલુ વર્ષે કોરોનાની મહામારીની સૌથી વધારે અસર થઈ હોય તેવી જગ્યાઓમાં ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે. અંબાજી મંદિર નવરાત્રી દરમિયાન ખુલ્લું રાખવામાં આવશે. જ્યાં યાત્રિકોએ માસ્ક પહેરી ઊભી કરાયેલી સેનિટાઈઝરની વ્યવસ્થામાંથી પસાર થવું પડશે. ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે માતાજીના દર્શનનો લાભ લઇ શકશે.


આ ઉપરાંત અંબાજી મંદિરમાં આરોગ્યની બે ટીમ પણ તૈનાત કરવામાં આવશે. આ ટીમ સતત ટેમ્પરેચર તપાસતી રહેશે અને કોઈ વ્યક્તિ બીમાર જેવી જણાય તો તેના પર નજર રાખશે. અંબાજી મંદિરમાં ચાલુ વર્ષે ખેલૈયાઓ ગરબાનો લાભ નહીં લઈ શકે પરંતુ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લ્હાવો ચોક્કસ લઈ શકશે. અહીં સરકારની ગાઇડલાઇન પ્રમાણે પ્રસાદ બોક્સમાં જ આપવામાં આવશે.


પ્રસાદ બોક્સમાં જ આપવામાં આવશે: સરકારે પહેલા નવરાત્રી દરમિયાન પ્રસાદ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જે બાદમાં સરકારે બોક્સમાં પ્રસાદ આપવાની છૂટ આપી હોવાથી અંબાજી મંદિર ખાતે ભક્તોને બોક્સમાં જ પ્રસાદ આપવામાં આવશે. જોકે, આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં પ્રસાદના ખૂબ ઓછા બોક્સ બનાવવામાં આવશે.