

દર વખતે ભાદરવી પૂનમના મહામેળા માટે 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે ઉમટી પડતા હોય છે. જોકે, ‘અનલોક-3’ની ગાઇડલાઇન પ્રમાણે 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ઈતિહાસમાં પ્રથમવાર યોજાશે નહીં. પ્રવર્તમાન સંજોગોને પગલે અંબાજી મંદિરની સાથે પગપાળા સંઘો-સેવા કેમ્પો-શોભા યાત્રા સહિતની પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


ભાદરવી અંબાજીના મેળાને કોરાનાનું ગ્રહણ નડ્યું છે. પરંતુ માઈભક્તોની લાગણીને દુભાઇ ન તેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દર્શન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિરની હવન શાળામાં સહસ્ત્ર નવચંડી યજ્ઞ યોજાશે. શ્રદ્ધાળુઓની સગવડતા માટે યાત્રાળુઓને ઘરે બેઠાં ઓનલાઇન માતાજીના દર્શન-ગબ્બર દર્શન, યજ્ઞા દર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે.


ભાદરવી પૂનમના મેળાના સાત દિવસના સમયગાળા દરમિયાન કોરોના વાયરસની મહામારી સામે રક્ષણ થાય તે માટે વિશ્વ કલ્યાણ અર્થે મંદિર સંકુલમાં મૂકવામાં આવેલી યજ્ઞાશાળામાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યજ્ઞા કરાવવામાં આવશે. બીજી બાજુ અમદાવાદથી કેટલાક પગપાળા સંઘોએ મર્યાદિત પદયાત્રીઓ સાથે ગત સપ્તાહે અંબાજીમાં ધજા ચઢાવીને વર્ષો પુરાણી પરંપરા જાળવી રાખી હતી.