

આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : રાજસ્થાનમાં (Rajasthan) દર્શનાર્થે જઇ રહેલા બનાસકાંઠાના (Banaskatha) જીવદયા પ્રેમીઓની ગાડી પલટી (Car Accident) ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં જીવદયાપ્રેમી ભરતભાઈ કોઠારી (Bharat Kothari) સહિત ત્રણ જૈન અગ્રણીઓના ઘટના સ્થળે મોત નીપજતાં જૈન સમાજમાં માતમ છવાયો હતો.


બનાસકાંઠાના ડીસામાં (Deesa) રહેતા ભરતભાઈ કોઠારી છેલ્લા 40 વર્ષથી અબોલ જીવો ને બચાવવાનું કર્યા છે અત્યાર સુધી તેમણે લાખો પશુઓને કતલખાને જતા અટકાવી તેમના જીવ બચાવ્યા છે જેઓ આજે મિત્રવર્તુળ અને જૈન અગ્રણીઓ સાથે રાજસ્થાનના જહાજપુર જૈન મંદિર ખાતે દર્શનાર્થે નીકળ્યા હતા.ત્યારે જાલોર પાસે ભરતભાઈ કોઠારી ની પજેરો ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.


આ અકસ્માત એટલો ભયંકર હતો કે ગાડી ફંગોળાઈને ઝાડીમાં ફેંકાઈ ગઈ હતી. અકસ્માત માં ભરતભાઈ કોઠારી વિમલભાઈ જૈન અને રાકેશ ધરીવાલ ને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.


જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો તેમજ જૈન સમાજ ના લોકો તેમજ જીવ દયા પ્રેમીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી અને બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, આ અકસ્માત પહેલાના એક વીડિયો સીસીટીવીમાં કેદ થયો છે જેમાં બેકાબૂ થયેલી પજેરો કાર જોવા મળે છે.


આ ઘટનાથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં જૈન સમાજ અને જીવદયા પ્રેમીઓમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પણ ભરતભાઈ કોઠારીએ સરકાર સામે અબોલ જીવો ના રક્ષણ માટે અવાજ ઉઠાવ્યો હતો અને સરકારે તેમની વાત સાંભળી ગુજરાત ની ગૌશાળાઓમાં ઘાસચારો અને ગ્રાન્ટ ની ફાળવણી કરી હતી.