બનાસકાંઠા : રાજ્યના (Gujarat monsoon) અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જો વરસાદી આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં (Gujarat rain Update) આજે મંગળવારે સવારે 6થી 10ના સમયગાળામાં ચાર કલાકમાં 165 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તાપીના સોનગઢમાં 2.84 જ્યારે બનાસકાંઠાના દાંતીવાડામાં 2.6 ઇંચ વરસાદ નોંધાયો છે. અરવલ્લીના ભિલોડા અને પાટણના સિદ્ધપુર અને બનાસકાંઠામાં ડિસામાં બે ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના વડગામ અને કારંજમાં દોઢ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. અનેક નદીઓના સ્તર વધતાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ભરૂચ નજીક ગોલ્ડ બ્રિજ પાસે નર્મદા નદી મંગળવારે સવારે નવ વાગ્યે 24 ફૂટની સપાટીએ વહી રહી છે. ગોલ્ડન બ્રિજ ખાતે નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે. બીજી તરફ નદીના કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેના કારણે ભરુચના ઝઘડીયા, અંકલેશ્વરના 40 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અંકલેશ્વરના સરફુદ્દીન અને ખાલપીયા ગામના લોકોનું સ્થળાંતર કરાયું છે.
ભિલોડા અને શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસતા લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે. ત્રણેય નદીઓ ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુનસર ધોધનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે જેના કારણે નદી કિનારાના 20થી વધુ ગામડાઓ સતર્ક કરવામાં આવ્યા છે. કિશનગઢ ગામ પાંચમહુડા વિસ્તારમાં ઈન્દ્રાસી નદીમાં ફૂલ પાણી આવતા રોડ તૂટી ગયો છે. હજી થોડું પાણી વધારે આવે તો 60થી 70 ઘર તણાય એવી પરિસ્થિતિ સર્જાઇ છે.