

હાર્દિક પટેલ, શામળાજી : ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ વધાવવા યાત્રાધામ શામળાજીમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. મંદિર સહિત યાત્રાધામને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ભગવાન શામળીયાને જન્માષ્ટમી પ્રસંગે ચાંદી ઉપર સોના અને રત્ન મઢિત ગદા,ચક્ર તેમજ ખેસ અર્પણ કરાયા.


શનિવારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ સમગ્ર દેશમાં ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવનાર છે. ખાસ કરીને રાજ્યના ડાકોર દ્વારકા અને ત્યાર બાદ શામળાજી મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવ દબદબા ભેર ઉજવવામાં આવનાર છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવને ઉજવવા યાત્રાધામ ખાતે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરને લાઈટો આસોપાલવ,કેળ,વાંસ તેમજ ફૂલોથી શણગારવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ગામના યુવાનો દ્વારા પણ સમગ્ર યાત્રાધામને આસોપાલવ અને મટકી ઓના તોરણોથી શણગારવામાં આવી રહ્યું છે.


જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ જન્માષ્ટમી માટે અંદાજીત 15 લાખના ખર્ચે ભગવાન કાળીયા ઠાકોર માટે વિશેષ વસ્ત્રો તેમજ 7 કિલો ચાંદી માંથી સોના અને રત્ન મઢિત ચક્ર ,ગદા બનાવડાવવામાં આવી છે. આ સુંદર વસ્તુઓ જન્માષ્ટમીનાં દિવસે ભગવાનને અર્પણ કરવામાં આવશે. ત્યારે હાલ યાત્રાધામ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવને વધાવવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે અને શામળાજી હાલ કૃષ્ણ મય બન્યું છે.