અંબાજી : દાંતા પંથકના બે યુવકોને રાજસ્થાનના રાનીવાડા ખાતે અકસ્માત નડ્યો છે. દાંતા પંથકના પાંચ યુવકો ગાડી લઈને સુંધામાતા તરફ ફરવા માટે ગયા હતા. આ દરમિયાન ચાંડપુર રાજપુરા માર્ગ પર જીપ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જીપ પલટી જતાં બે યુવકોનાં મોત થયા હતા અને ત્રણનો બચાવ થયો હતો. રાજસ્થાન પોલીસ તરફથી મળતી માહિતી પ્રમાણે શૈલેષભાઈનું મોત ઘટના સ્થળે અને મહેશભાઈનું મોત હૉસ્પિટલ લઇ જતી વખતે થયું હતું.
અરવલ્લીમાં યુવકનું મોત : મોડાસા અને કપડવંજ રોડ ખાતે અકસ્માત થયો હતો. જે બાદમાં ગામ લોકોએ રોડ ચક્કાજામ કરી દીધો હતો. મળતી માહિતી પ્રમાણે ધનસુરાના હીરાપુર નજીક એક ટ્રકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર યુવકનું મોત થયું છે, જ્યારે બે મહિલાને ઈજા પહોંચી છે. જે બાદ ગામ લોકોએ રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. અકસ્માત બાદ રોડ પર બે કિલોમીટર લાંબી વાહનોની લાઇન લાગી હતી. અકસ્માતને પગલે ધનસુરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
રાજકોટના જેતપુરમાં અકસ્માત : રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના સરધારપુર ગામ નજીક બાઇક અને ટ્રેક્ટર વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલ વ્યક્તિને સારવાર માટે જૂનાગઢ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. અકસ્માત બાદ ટ્રેક્ટરનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકની બોડીને પોસ્ટ મોર્ટમા માટે જેતપુર સરકારી હૉસ્પિટલ ખસેડી હતી.