

હાર્દિક પટેલ, અરવલ્લી : સમાજમાં વર્ષોથી પસંદગીના પાત્રો સાથે પ્રેમ લગ્ન (Love Marriage) કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જોકે, ઘણી વાર આવા સંબંધોમાં યુવક યુવતીને માતાપિતાનો સહકાર ન મળતા તેના કરૂણ અંજામ આવતા હોય છે. આજે રાજ્યના અરવલ્લી જિલ્લાના (Arvalli) ભીલોડા (Bhiloda) શહેરમાંથી આવી એક કરૂણ ઘટના સામે આવી છે જેમાં 4 માસ પૂર્વે પ્રે લગ્ન કરનારી યુવતીએ આપઘાત (sucide) કરી લેતા ચકચાર મચી છે.


બનાવની વિગતો એવી છે કે ભીલોડાના ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા ડામોર પરિવારના પુત્ર ડેનિશ સાથે તૃપ્તી નામની યુવતીએ ચાર માસ પહેલાં પ્રેમ લગ્ન કર્યુ હતું. બંને યુવક યુવતીએ પ્રેમ હોવાથી લગ્ન કરી અને પતિ-પત્ની તરીકે રહેતા હતા. દરમિયાન તૃપ્તીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લીધો હોવાની ઘટના સામે આવી હતી.


ઘટનાની જાણ થતા યુવતીનો પરિવાર પહોંચી ગયો હતો અને તેમણે યુવતીના સાસરિયાઓ સામે ગંભીર આરોપો મૂક્યા હતા. ભીલોડા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે યુવતીના પતિ ડેનીશ, જેઠઅલ્પેશ, સસરા પ્રફુલ ડામોર અને સાસુ ઇન્દીરાબેન તેને અવારનવાર ત્રાસ આપતા હતા.


મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી છે કે તૃપ્તીને તેના સાસુ જેઠ અને પતિ મારઝૂડ કરતા હતા અને તેને મરી જવા માટે દુષ્પ્રેરણા આપતા હતા. દીકરીએ સાસરિયાઓના ત્રાસથી ગળેફાંસો ખાઈ અને જિંદગી ટૂંકાવી લીધી છે.