અરવલ્લી: રાજ્યભરમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે અરવલ્લીના ઉમેદપુરમાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ચોમાસામાં ન પડેલો વરસાદ ભરઉનાળે ખાબક્યો હતો. ભારે કમોસમી વરસાદથી ગામમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. મોડાસાના દાધલિયા પાસેના ઉમેદપુરમાં મોટું નુકસાન થયું છે. ભરઉનાળે 2 કલાકમાં 5 ઈંચ વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઉપરાંત વરસાદને લીધે રસ્તા પર ખાડા પડવા અને રોડ પર ભૂવા પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. વડોદરામાં કમોસમી વરસાદમાં રોડ પર ભૂવા પડ્યાં છે. જ્યારે ડ્રેનેજ લાઈનના નબળા પુરાણમાં ખાડામાં ગાડી ફસાઈ હતી. ભાયલી હાઈ ટેન્શન રોડ પર ગાડી ફસાઈ હતી. ડ્રેનેજ લાઈનના નબળા પુરાણથી રોડ બેસી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી બાજુ, વરસાદને કારણે ભરઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. સાબરકાંઠામાં ભારે વરસાદ બાદ પાણી ભરાયાં છે. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંભોઈ ભિલોડા રોડ પર વરસાદી પાણી ભરાયાં છે. સુરજપુરા રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ઘૂસ્યાં હોવાનું સામે આવ્યું છે. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે.