

આજે અંબાજી ભાદરવી પૂનમના મેળાનો સાતમો અને છેલ્લો દિવસ છે. દૂર દૂરથી માતાના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર આવી રહ્યું છે. મોટી સંખ્યામાં પગપાળા આવતા સંધના લોકો આજે અંબાજી સુધી પહોંચી ગયા છે. આ પવિત્ર દિવસોમાં મંદિરના બેંક એકાઉન્ટ અને મંદિરોમાં લાખો રૂપિયાનું દાન આવ્યું છે. આજે અમદાવાદના નવીનભાઇ શાહે 1 કિલો સોનાનું દાન આપ્યું છે. જેની કિંમત આશરે રૂપિયા 31.90 લાખ છે.


છઠ્ઠા દિવસે 2,42,925 ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. જ્યારે આ છ દિવસમાં કુલ 22,09,459 ભક્તોએ દર્શન કર્યા હતા. છઠ્ઠા દિવસે પ્રસાદના 2,86,342 પેકેટ્સનું વિતરણ થયું છે. જ્યારે છ દિવસમાં કુલ 20,74,602 પ્રસાદના પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું.


આ સિવાય પરત ફરી રહેલા માઈભક્તોને લઈ આવવા એસટી બસોની વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ભાદરવી પુનમ બાદ શ્રાધ્ધ પર્વની પૂર્ણાહૂતિ પછી નવલાં નોરતાંની શરૂઆત થશે. શક્તિ ઉપાસનાના આ પર્વમાં માને અનેક શક્તિ ઉપાસકો અક્ષત-કુમકુમથી પોતાના ચોકમાં પધારવા નિમંત્રણ પાઠવવાની શ્રધ્ધેય વિધિ કરવાનું પણ ચુકતાં નથી.


મોટાભાગના પદયાત્રીઓ અંબાજી આવી ગયા છે. પદયાત્રીઓના ઉત્સાહને ટકાવી રાખવા માટે છાશ-લીંબુ શરબત, નાસ્તા અને ચા પાણીના ઠેર ઠેર સેવાકીય કેમ્પોના સંચાલકો પદયાત્રીઓની સેવામાં હાજર હોય છે. પ્રાથમિક સારવાર માટેની દવાઓ તેમજ ગરમ પાણીથી સ્નાન અને ગાદલાં બિછાવી આરામની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.