

દુષ્કર્મ અને યૌન શોષણના મામલામાં ફસાયેલા સ્વામી નિત્યાનંદ વિશે સમાચાર સામે આવ્યા છે કે તેણે પોતાનો અલગ દેશ વસાવી લીધો છે જેનું નામ કૈલાસા છે. હવે તેની પાસે પોતાનો પાસપોર્ટ પણ છે. નિત્યાનંદ (Nithyanada)એ પોતાના નવા દેશની વેબસાઇટ પણ લૉન્ચ કરી છે, જેમાં તેને ધરતી પર હિન્દુઓનો સૌથી મહાન દેશ (Greatest Hindu Nation on Earth) ગણાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, નિત્યાનંદે દક્ષિણ અમેરિકામાં ઇક્વાડોરમાં એક દ્વીપ ખરીદ્યો છે અને તેને એક સ્વતંત્ર અને નવા દેશ કહેવાનું શરૂ કરી દીધું છે. તેની વેબસાઇટ પર દાવો કરવામાં આવ્યો છે કે, કૈલાસા સરહદો વગરનો એક દેશ છે જેને દુનિયાભરમાંથી હાંકી કઢાયેલા હિન્દુઓએ વસાવ્યો છે. જેઓએ પોતાના જ દેશમાં પ્રામાણિક રીતે હિન્દુ ધર્મનો અભ્યાસ કરવાનો અધિકારી ગુમાવી દીધો છે. આ દેશનો પોતાનો પાસપોર્ટ છે અને નિત્યાનંદે એક ઓનલાઇન સેમ્પલ પણ વેબસાઇટ પર મૂક્યું છે.


નિત્યાનંદ જેનું અસલી નામ રાજશેખરન છે, તે તમિલનાડુ (Tamil Nadu)નો રહેવાસી છે. તે વર્ષ 2000માં બેંગલુરુની પાસે એક આશ્રમ બનાવ્યા બાદ પ્રભાવશાળી થઈ ગયો હતો. તેના મોટાભાગના ભાષણ આધ્યાત્મિક ગુરુ ઓશો રજનીશના વિચારો પર આધારિત હોય છે. 2010માં નિત્યાનંદ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેનો એક એક્ટ્રેસ સાથે આપત્તિજનક સ્થિતિમાં વીડિયો વાયરલ થયો હતો. બાદમાં તેની પર દુષ્કર્મ (Rape)નો આરોપ લાગ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ ઉપરાંત અન્ય દુષ્કર્મ કેસમાં પણ તેની પર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.


નિત્યાનંદના દેશની વેબસાઇટ kailaasa.org મુજબ તે સરહદો વગરનું સ્થળ છે જ્યાં દુનિયાભરમાંથી હાંકી કઢાયેલા હિન્દુ રહી શકે છે. વેબસાઇટમાં કૈલાસા વિશે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અહીં હિન્દુ પોતાના ધર્મપાલનના અધિકારની સાથે આરામથી રહી શકે છે. વેબસાઇટમાં કૈલાસા મૂવમેન્ટ વિશે પણ જાણકારી આપવામાં આવી છે. લખવામાં આવ્યું છે કે આ મૂવમેન્ટની શરૂઆત અમેરિકાથી થઈ છે. આ મૂવેમન્ટનો ઉદ્દેશ્ય છે કે હિન્દુઓને જાતિ, લિંગભેદ, સમુદાયથી રહિત થઈને ધર્મપાલનની છૂટ મળી શકે.


નિત્યાનંદનો કૈલાસા દેશ દક્ષિણ અમેરિકાના દેશ ઈક્વાડોરની પાસે છે. ઈક્વાડોરને દુનિયાભરમાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખીઓથી ઓળખવામાં આવે છે. આ દેશના દક્ષિણ હિસ્સામાં અનેક નદીઓ છે જે ઉત્તર પશ્ચિમમાં આવતા પેરુના વિસ્તાર સુધી જાય છે. આ દેશની નજીક નિત્યાનંદે પૂરો એક દ્વીપ ખરીદ્યો છે. કૈલાસાની વેબસાઇટમાં આ સરકાર વિશે પણ જાણકારી આપવામાં આવી છે. તેમાં કૉમર્સ, હાઉસિંગ, હ્યૂમન સર્વિસિસ, એજ્યુકેશન અને ટેકનીકલ ઉપરાંત પણ અનેક મંત્રાલય છે. તેના એક સેક્શનમાં કૈલાસા મૂવમેન્ટ સપોર્ટ કરવા માટે એક ફૉર્મ પણ આપવામાં આવ્યું છે. આ દેશનો ઝંડો અને પ્રતીક ચિન્હ પણ વેબસાઇટમાં જોવા મળે છે. આ ઉપરાંત, વેબસાઇટ પર પાસપોર્ટ વિશે પણ જાણકારી આપવામાં આવી છે.