

ઓગસ્ટ મહિનો હવે પૂરો થવાનો છે અને નવો મહિનો શરૂ થશે. આની સાથે જ અનેક બદલાવ પણ આવશે. પ્રથમ સપ્ટેમ્બરથી તમને અમુક વસ્તુ સસ્તી તો અમુક મોંઘી મળશે. સપ્ટેમ્બરમાં અનેક નાણાકીય નિયમો (Financial Rules) પ્રભાવમાં આવશે. જાણીએ સપ્ટેમ્બરથી કઈ વસ્તુ સસ્તી થશે અને તેનાથી કેટલી બચત થશે.


હોમ લોન સસ્તી થશે : પ્રથમ સપ્ટેમ્બરથી SBI અને બેંક ઓફ મહારાષ્ટ્ર સહિત અનેક બેંકો ઘર માટે સસ્તી લોન આપશે. એસબીઆઈએ હોમ લોનના દરોમાં 0.20 ટકાનો ઘટાડો કર્યો છે. જ્યારે બેંક ઓફ મહારાષ્ટ્રે કહ્યું છે કે રિટેલ લોનના વ્યાજદરોને રેપો રેટ સાથે જોડવામાં આવશે, તેમજ વ્યાજદરો સાથે જોડાયેલા લાભો ગ્રાહકોને આપવામાં આવશે. નોંધનીય છે કે રેપો રેટ સાથે વ્યાજના દરો જોડ્યા બાદ આરબીઆઈ જ્યારે જ્યારે રેપો રેટમાં વધારે ઘટાડો કરશે ત્યારે ત્યારે લોનના દરોમાં ફેરફાર થશે. પ્રથમ સપ્ટેમ્બરથી એસબીઆઈ હોમ લોન પર 8.05 ટકા વ્યાજ લેશે. આરબીઆઈએ ઓગસ્ટમાં રેપો રેટ ઘટાડીને 5.40 ટકા કરી દીધો છે.


ઓટો લોન રસ્તી થશે : એસબીઆઈએ તહેવારની સિઝનને જોતા ઓટો લોન પર ખાસ ઑફર શરૂ કરી છે. જે અંતર્ગત કારની લોન લેવી સસ્તી બનશે. એસબીઆઈના ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે યોનો અથવા વેબસાઇટ મારફતે કાર લોન માટે અરજી કરનાર ગ્રાહકોને વ્યાજદરમાં 0.25 ટકાની છૂટ મળશે. પગારદાર ગ્રાહકો કારની ઓનરોડ કિંમતના 90 ટકા સુધી લોન મેળવી શકશે.


SBI 1.5 કરોડ રૂપિયાની એજ્યુકેશન લોન આપશે : પ્રથમ સપ્ટેમ્બરથી એજ્યુકેશન લોનનો વ્યાજનો દર 8.40 ટકાને બદલે 8.25 થશે. આ વ્યાજદર દેશમાં અભ્યાસ કરવા માટે રૂ. 50 લાખ સુધીની લોન અને વિદેશમાં અભ્યાસ માટે 1.5 કરોડ સુધીની લોન પર લાગૂ પડશે. ગ્રાહકોને ચુકવણી માટે વધારેમાં વધારે 15 વર્ષનો સમય આપવામાં આવશે.


પર્સનલ લોનના દરો ઘટ્યાં: તહેવારના દિવસોમાં માંગ વધવાની સાથે સાથે લોકોને વધારે પૈસાની જરૂર પડતી હોય છે. એસબીઆઈએ રૂ. 20 લાખની પર્સનલ લોન સૌથી સસ્તા દરમાં આપવાનું વચન આપ્યું છે. છ વર્ષની મુદત માટે 11.90 ટકાને બદલે 10.75 ટકાના દરે લોન આપવામાં આવશે. સેલેરી એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને યોનોના માધ્યમથી રૂ. 5 લાખ સુધીની પ્રી-અપ્રૂવ્ડ લોન ઑફર કરવામાં આવી રહી છે.