થોડાક જ દિવસોમાં 2018 હંમેશા માટે અલવિદા કહી દેશે. આ વર્ષને અલવિદા કહીએ તે પહેલાં નજર નાખીએ એવા તમામ ખાસ ચુકાદાઓ પર જે આ વર્ષે આપવામાં આવ્યા. આમ તો 2018નું વર્ષ અનેક રીતે ખાસ હતું પરંતુ કેટલીક બાબતો એવી થઈ જેના કારણે આ વર્ષ ઈતિહાસમાં હંમેશા માટે નોંધાઈ ગયું. આ વર્ષે સુપ્રીમ કોર્ટ તરફથી કેટલાક ઐતિહાસિક ચુકાદા આપવામાં આવ્યા જેણે અનેક લોકોની જિંદગી બદલી દીધી. આવો જાણીએ, શું હતા તે ચુકાદા...
ગુનો નથી સમલૈંગિક્તા: 6 સપ્ટેમ્બર 2018. આ દિવસ હતો જ્યારે સુપ્રીમ કોર્ટે 157 વર્ષ જૂના કાયદાને ફેરવતા IPCની કલમ 377ને અપરાધના દાયરાથી બહાર કરી દીધી. એટલે સમલૈંગિક સંબંધ રાખનારા હવે અપરાધ નહીં માનવામાં આવે. ભારતના સમલૈંગિકો માટે આ મોટી રાહત આપતો ચુકાદો હતો. આ ઐતિહાસિક ચુકાદો સંભળાવતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કલમ 377નો કેટલાક હિસ્સો જે સહમતિથી અપ્રાકૃતિક સંબંધ બનાવવાને અપરાધ માને છે, મૂર્ખતાપૂર્ણ અને સ્પષ્ટપણે એકપક્ષીય છે. આ રીતે આ ચુકાદાથી ભારત દુનિયાનો 126મો દેશ બની ગયો, જ્યાં સમલૈંગિક્તા હવે કાયદાકીય રીતે માન્ય છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ દેશ અને દુનિયામાં દરેક સ્થળે, માનવાધિકાર કાર્યકર્તા, સેબિબ્રિટી અને સમલૈંગિક લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ અને સૌએ ઉજવણી કરી.
આધાર જ્યાં જરૂરી, માત્ર ત્યાં અનિવાર્ય: સપ્ટેમ્બર મહિનામાં જ સુપ્રીમ કોર્ટે વધુ એક ચુકાદો આપ્યો હતો જેમાં કોર્ટે આધારને બંધારણીય રીતે માન્ય ગણ્યું હતું. આ ચુકાદો 26 સપ્ટેમ્બર 2018ના રોજ આપવામાં આવ્યો હતો. તેની સાથે જ સુપ્રીમે એમ પણ જણાવ્યું હતું કે આધાર માત્ર ત્યાં અનિવાર્ય હશે જ્યાં તેની જરૂર હશે. જ્યાં આધાર સિવાય પણ કામ ચાલી શકે છે ત્યાં આધાર આપવું અનિવાર્ય નહીં હોય. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો એટલા માટે પણ જરૂરી હતો કારણ કે આ ચુકાદા પહેલા આધારની અનિવાર્યતાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ઉપરાંત તેનાથી લોકોનો પ્રાઇવેટ ડેટા ચોરી થવાનો ખતરો પણ રહેતો હતો. એવામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ઘણા લોકોને મુશ્કેલી ઉકેલાઈ ગઈ.
એડલ્ટ્રી હવે અપરાધ નહીં: આધારના ચુકાદાના બિલકુલ એક દિવસ બાદ એટલે કે 27 સપ્ટેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટે વધુ એક મોટો ચુકાદો આપ્યો જેમાં એડલ્ટ્રીની કલમ 497ને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય કરાર કરી. એડલ્ટ્રી પર ચુકાદો સંભળાવતા કોર્ટે કહ્યું હતું કે આ કોઈ અપરાધ નથી. ઈન્ડિયન પીનલ કોડની કલમ 497 (એડલ્ટ્રી) ગેરબંધારણીય છે અને જ્યાં સુધી તે આત્મહત્યા કરવાનું કારણ ન બને. આ ચુકાદા પહેલા 150 વર્ષ જૂની કલમ 497 તે પુરુષોને અપરાધી માનતી હતી, જેમનો બીજા કોઈની પત્ની સાથે સંબંધ છે. પત્નીને તેમાં અપરાધી નહોતી માનવામાં આવતી. આ કલમ હેઠળ દોષી પુરવાર થયેલા પુરુષને પાંચ વર્ષ સુધીની જેલની સજાનો સામનો કરવો પડે છે. પરંતુ સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ આવા મામલામાં ન પુરુષને અને ન તો મહિલાને કોઈ સજા થશે.
સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ: 28 સપ્ટેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટે વધુ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો. કોર્ટે પોતાના આ ચુકાદામાં કેરળના સબરીમાલા મંદિરમાં તમામ વર્ગની મહિલાઓને પ્રવેશ માટે મંજૂરી આપી હતી. આ પહેલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાની મંજૂરી નહોતી. જોકે, સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનો વિરોધ આજ સુધી થઈ રહ્યો છે પરંતુ આ ચુકાદાથી તે તમામ મહિલાઓમાં ખુશીની લહેર દોડી ગઈ જે હંમશાથી ભગવાન અયપ્પાના દર્શન માટે મંદિર જવા માંગતી હતી.