નવી દિલ્હી: દિલ્હીમાં એક વેપારીએ તેની પત્ની સહિત સાસરિયા (In-Laws)ના લોકોને ઝેર ભેળવીને જમવાનું આપી દીધું હતું. જે બાદમાં સાળી (Sister in law) અને સાસુ (Mother in law)નું નિધન થયું હતું. હવે આ કેસમાં વરુણની પત્નીનું પણ નિધન થયું છે. આરોપીની પત્ની દિલ્હીની એક ખાનગી હૉસ્પિટલમાં છેલ્લા 40 દિવસથી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. પોલીસે આ કેસમાં બિઝનેસમેન વરુણ અરોરાની પહેલા જ ધરપકડ કરી લીધી છે.
શું છે કેસ?: હોમિયોપેથી દવાનો નિર્માતા દેવેન્દ્ર મોહન શર્માની દિલ્હી ખાતે ફેક્ટરી આવેલી છે. થેલિયમને પગલે તેની દીકરી પ્રિયંકા શર્મા અને પત્ની અનિતા શર્માનું નિધન થયું છે. હવે તેની મોટી દીકરી દિવ્યા પણ દુનિયાને છોડીને ચાલી ગઈ છે. દિવ્યા છેલ્લા 40 દિવસથી કોમામાં હતી. દેવેન્દ્રના જમાઈ વરુણે તેના આખા પરિવારને ખતમ કરી નાખવાની યોજના બનાવી હતી.
પોલીસે આ કેસમાં વરુણ અરોરા નામના વ્યક્તિની પોતાના સાસરિયાના લોકોની ઝેર આપીને મારવાના ષડયંત્રના ગુનામાં ધરપકડ કરી છે. વરુણ પર આરોપ છે કે તેણે માછલીમાં થેલિયમ ભેળવીને તેના સાસરિયા પક્ષના તમામ સભ્યોને ખવડાવી દીધું હતું. જેનાથી વરુણની સાળી અને સાસુનું નિધન થયું હતું. જ્યારે પત્ની દિવ્યાનું સારવાર દરમિયાન આઠમી એપ્રિલના રોજ નિધન થયું હતું.
પોલીસના કહેવા પ્રમાણે વરુણે પહેલા તેના સાસુ અને સસરાને માછલી ખવડાવી હતી. જે બાદમાં તેની પત્નીને માછલી ખવડાવી હતી. આ સમયે તેની સાળી બહાર ગઈ હતી. જોકે, વરુણ સાળી આવી ત્યાં સુધી રોકાયો હતો અને તેને પણ માછલી ખવડાવી હતી. આ દરમિયાન તેણે તેના બે બાળકોને માછલી આપી ન હતી. એટલું જ નહીં, તેણે પણ માછલી ખાધી ન હતી.
ઝેર મિશ્રિત માછલી ખાવાથી સૌથી પહેલા સાળી પ્રિયંકાની તબિયત લથડી હતી. જેને ચોથી ફેબ્રુઆરીના રોજ સારવાર માટે ખસેડાઈ હતી. જેનું 15 ફેબ્રુઆરીના રોજ નિધન થયું હતું. જે બાદમાં સાસુ અનિતાની તબિયત બગડી હતી. તેમને ચોથી માર્ચના રોજ હૉસ્પિટલમાં દાખલ કરાયા અને 21 માર્ચના રોજ નિધન થયું. જે બાદમાં પત્ની દિવ્યાની તબિયત બગડી હતી. વરુણની પત્ની દિવ્યાની 40 દિવસ સુધી સારવાર ચાલી હતી. આખરે તેણીએ પણ દમ તોડી દીધો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વરુણના સાસરી પક્ષના લોકો તેને ખૂબ મ્હેંણા ટોણા મારતા હતા. ગત વર્ષે વરુણના પિતાનું નિધન થયું હતું ત્યારે તેની પત્ની દિવ્યાએ તેના પરિવારના લોકોને કહીને ગર્ભપાત કરાવી લીધો હતો. આ વાતને લઈને વરુણ ગુસ્સામાં હતો. પોલીસના કહેવા પ્રમાણે વરુણે સદામ હુસૈન વિશે વાંચ્યું હતું, જે તેના દુશ્મનોને ખતમ કરવા માટે થેલિયમ ઝેરનો ઉપયોગ કરતો હતો. જે બાદમાં વરુણે પણ થેલિયમની બોટલ ખરીદી હતી અને પત્ની તેમજ સાસરિયાના તમામ લોકોને ખતમ કરવાનો પ્લાન ઘડ્યો હતો.