પશ્ચિમ બંગાળમાં શિક્ષા ભરતી ગોટાળાની ચર્ચા થઈ રહી છે. આ ભરતી ગોટાળાની તપાસ રાજ્ય સરકાર અને મંત્રીઓ સુધી પહોંચી ગઈ છે. મમતા બેનર્જીની સરકારમાં મંત્રી પાર્થ ચેટર્જીની (Parth Chatterjee)નજીકની વ્યક્તિ અર્પિતા મુખર્જીના (Arpita Mukherjee)ઘરે EDએ દરોડા પાડીને 20 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. પાર્થ ચેટર્જીના ઘરે પણ શુક્રવારથી દરોડા (Enforcement Directorate)પાડવામાં આવી રહ્યા છે. આ તમામ તપાસ વચ્ચે સવાલ ઊભા થઈ રહ્યા છે કે, અર્પિતા મુખર્જી કોણ છે? અને પાર્થ ચેટર્જી સાથે કેવી રીતે જોડાયેલા છે?
અર્પિતા મુખર્જીએ બાંગ્લા ફિલ્મોના સુપરસ્ટાર પ્રોસેનજીત અને લીડ રોલવાળી ફિલ્મોમાં પણ સાઈડ રોલ ભજવ્યા છે. ઉપરાંત અર્પિતા મુખર્જીએ બાંગ્લા ફિલ્મ અમર અંતકનાડમાં પણ અભિનય કર્યો છે. EDએ દરોડા પાડીને અર્પિતા મુખર્જીના ઘરેથી 20 કરોડ રૂપિયા જપ્ત કરતા અર્પિતા મુખર્જી ચર્ચામાં આવી છે. કેન્દ્રીય એજન્સીઓ અનુસાર શિક્ષા ભરતી ગોટાળાની તપાસ દરમિયાન અર્પિતા મુખર્જી તેમાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યું છે.
અર્પિતા મુખર્જી પાર્થ ચેટર્જીની નજીકની વ્યક્તિ - કહેવાય છે કે અર્પિતા મુખર્જી પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી પાર્થ ચેટર્જીના નજીકની વ્યક્તિ છે. પાર્થ ચેટર્જી મમતા બેનર્જી સરકારમાં શિક્ષા મંત્રી રહી ચૂક્યા છે. એવા સવાલ પણ ઉભા થઇ રહ્યા છે કે બાંગ્લા ફિલ્મોમાં સાઈડ રોલ કરનાર અર્પિતા મુખર્જી સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના કદાવર નેતા પાર્થ ચેટર્જીના નજીકની વ્યક્તિ કેવી રીતે બની ગઇ છે.
તૃણમૂલ કોંગ્રેસના કદાવર નેતા અને બંગાળ સરકારના મંત્રી પાર્થ ચેટર્જી દક્ષિણ કલકત્તામાં લોકપ્રિય દુર્ગા પૂજા સમિતિ નકટલા ઉદયનનું સંચાલન કરે છે. જે કલકત્તાની સૌથી મોટી દુર્ગા પૂજા સમિતિમાંથી એક છે. 2019 અને 2020માં પાર્થ ચેટર્જીની દુર્ગા પૂજા સમારોહમાં અર્પિતા મુખર્જી એક જાણીતો ચહેરો બની ગઈ છે. દુર્ગા પૂજા દરમિયાન જાહેર કરેલ પોસ્ટરમાં પાર્થ ચેટર્જીનું નામ સંઘના અધ્યક્ષ તરીકે લખવામાં આવ્યું હતું.
શુભેંન્દુ અધિકારીએ મોરચો ખોલ્યો - અર્પિતા મુખર્જીના ઘરે દરોડા પાડ્યા બાદ વિધાનસભામાં વિપક્ષ નેતા શુભેંન્દુ અધિકારીએ સોશિયલ મીડિયા પર અનેક ફોટોઝ શેર કર્યા છે. જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નકટલા ઉદયન સંઘની દુર્ગા પૂજાના ઉદ્ઘાટન અવસરમાં જોવા મળી હતી. મમતા બેનર્જી અને પાર્થ ચેટર્જી આજુબાજુમાં બેઠા છે. TMCના પ્રદેશ અધ્યક્ષ સુબ્રત બક્શી પણ હાજર હતા અને તેમની બાજુમાં અર્પિતા મુખર્જી બેઠી હતી.
TMCએ એક અધિકૃત નિવેદન જાહેર કરીને પોતાને આ કૌભાંડથી અલગ કરી લીધું છે. કહેવામાં આવ્યું છે કે, TMCનો આ પૈસા સાથે કોઈ સંબંધ નથી. તપાસમાં જે લોકોના નામ સામે આવ્યા છે. તેમણે અને તેમના વકીલોએ જવાબ આપવાનો રહેશે. TMC આ મામલે તપાસ કરી રહી છે અને સમય આવશે ત્યારે જવાબ આપશે. આ મામલે બંગાળમાં ભાજપ આક્રમક રૂપમાં જોવા મળી રહી છે.