નવી દિલ્હી: આ વખતે એપ્રિલ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. ખાસ કરીને ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં વધતા તાપમાનથી લોકોનાં હાલ બેહાલ છે. હાલમાં લોકો વરસાદની આશામાં છે. પણ હાલમાં રાહતનાં કોઇ અણસાર દેખાતા નથી. પર્વતીય વિસ્તાર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તાપમાનમાં ઘટાડો આવી શકે છે. કારણ કે અહીં વરસાદી માહોલ છે. દિલ્હી અને NCRનાં કેટલાંક વિસ્તારમાં ગત બે દિવસો દરમિયાન સામાન્ય વરસાદ અને ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. જોકે આ વિસ્તારમાં ગરમીનો પારો પાછો વધી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ રાજસ્થાન અને દિલ્હીમાં છેલ્લા 24 કલાકથી તીવ્ર ગરમીનું મોજું ચાલી રહ્યું છે. 14 એપ્રિલે પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ હતું. આ સિવાય બિહાર, વિદર્ભ અને મધ્ય પ્રદેશ, ગુજરાત પૂર્વ ઉત્તર પ્રદેશ, ઓડિશા અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પણ 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું હતું. 19 એપ્રિલ સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં પહોંચવાની ધારણા છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં પરિવર્તન થાય તેવી સંભાવના- ગુજરાતમાં અનેક સ્થળે કાળઝાળ ગરમીનું પ્રભુત્વ યથાવત છે. રાજકોટમાં 42.4 ડિગ્રી અને અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાનનો પારો પહોચ્યો હતો. અન્ય શહેરની વાત કરીએ તો, ભૂજમાં 40.8, વડોદરામાં 40.9 અને ડીસામાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
વધશે તાપમાન- આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2-4⁰C નો વધારો થવાની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. પરંતુ તે પછી 2-3⁰C નો વધારો થઈ શકે છે. પંજાબ, હરિયાણા-ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં 19 એપ્રિલ સુધી હીટ વેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. 17મી દરમિયાન ગુજરાત અને રાજસ્થાનનાં વિવિધ વિસ્તારોમાં આકરી ગરમી પડી શકે છે.