ગૌહાટી: બે દિવસ પહેલા આસામના સિલચરમાંથી એક આઘાતજનક સમાચાર આવ્યા હતા. ડૉક્ટર બિનિતા નાથ (Dr. Binita Nath) નામની એક યુવતીએ તાજેતરમાં એક બ્યૂટી પાર્લર (Sarada beauty parlour)ની મુલાકાત લીધી હતી. જોકે, તેણીનો આ અનુભવ ખૂબ જ આઘાતજનક રહ્યો છે. નાથ હાલ ઇટાલી રહે છે. તેણી તાજેતરમાં તેણીના વતન સિલચાર શહેરમાં આવી હતી. અહીં તેણીએ સરદા બ્યૂટી પાર્લરની મુલાકાત લીધી હતી. તેણી સાથે જે બન્યું તેની વાત તેણીએ ફેસબુક પર મૂકી છે. તેણીનો આક્ષેપ છે કે બ્યૂટી પાર્લરના લોકો ખૂબ જ બિનઅનુભવી અને બિનધંધાદારી છે. ફેશિયલ ટ્રીટમેન્ટ બાદ આખો ચહેરો બળી જવા છતાં તેમણે ફોન પર સોરી પણ કહ્યું ન હતું. (તસવીર સૌજન્ય: ફેસબુક)
ગૌહાટી ખાતે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવાની હોવાથી નાથ પાર્લરમાં ગઈ હતી. પોતાના ભયંકર અનુભવ વિશે વાત કરતા નાથે જણાવ્યું હતું કે,"મારા લગ્ન બાદ હું પ્રથમ વખત પાર્લરમાં ગઈ હતી. હું સામાન્ય રીતે પાર્લરમાં જતી નથી. ક્યારેક કોઈ ટ્રિટમેન્ટ કરાવતી નથી. મારા ચહેરા પરથી વાળ પર દૂર નથી કરાવતી. હું પાર્લરમાં ગઈ ત્યારે મને ડેટન ફેશિયલ માટે ભલામણ કરવામાં આવી હતી. પાર્લરના લોકોએ કહ્યું હતું કે ફેશિયલ હેર માટે જો થ્રેડિંગ કે પછી વેક્સિન ન કરાવવું હોય તે અમે બ્લીચનો ઉપયોગ કરીએ. મેં તેમણે જે સૂચવ્યું તે પ્રમાણે કરવાની હા પાડી હતી."
ફેશિયલ પછી બ્યૂટી પાર્લરના બ્યૂટિશિયને નાથના ચહેરા પર બ્લીચ લગાવ્યું હતું. નાથે જણાવ્યું હતું કે, "બ્લીચ લગાવતા જ મને એવું લાગ્યું હતું કે જાણે કોઈએ મારા ચહેર પર ગરમ તેલ રેડી દીધું છે. મને તાત્કાલિક એવું લાગ્યું કે મારી ત્વચા બળી રહી છે. દર્દને કારણે હું બૂમો પાડવા લાગી હતી. જે બાદમાં તે લોકોએ ચહેરા પર લગાવેલું લેયર હટાવી દીધું હતું. જે બાદમાં મેં ચહેરા પર બરફ પણ ઘસ્યો હતો પરંતુ ત્યાં સુધી તો બહું મોડું થઈ ગયું હતું."
ફેશિયલ અને બ્લીચના ઉપયોગને કારણે નાથનો ચહેરો બળી ગયો હતો. એટલે સુધી કે તેણે તાત્કાલિક ડૉક્ટર પાસે દોડવું પડ્યું હતું. આ વિશે નાથે જણાવ્યું હતું કે, "ડૉક્ટરે મને કહ્યું હતું કે મારા ચહેરા પર જે ડાઘ પડી ગયા છે તે બર્ન માર્ક્સ છે. ડૉક્ટરે મને દવા આપી હતી અને કહ્યું હતું કે ચહેરો પાછો જેમને તેમ થશે તે માટે સમય લાગશે."
આ મામલે સરદા પાર્લરના કો-ફાઉન્ડર દીપ દેવ રોયે જણાવ્યું હતું કે, "આ વાત જાણીને મને આઘાત લાગ્યો હતો. મારા પિતાની તબિયત સારી ન હોવાથી હું અને મારી પત્ની ત્યાં ગયા હતા. આથી બનાવ બન્યો ત્યારે અમે પાર્લર પર ન હતા. હું તેણીનું દુઃખ સમજી શકું છું. આ દુઃખદ બનાવ બન્યો તે માટે હું માફી માંગું છું. કંઈક તો ગરબડ થઈ હશે, મને લાગે છે કે હું તે રોકી શકતો હતો."
જોકે, પાર્લર માલિકના આ દાવાને નાથે ફગાવી દીધો હતો. આ મામલે નાથે જણાવ્યું હતું કે, "પાર્લર માલિક ખૂબ જ બેદરકાર અને બિનધંધાદારી છે. આ બનાવ બાદ મેં પાર્લર માલિકનો ફોન કર્યો હતો. મેં તેણીને મારી તસવીરો પણ મોકલી હતી. જોકે, સોરી તો ઠીક તેમણે મને યોગ્ય પ્રત્યુતર પણ આપ્યો ન હતો. મારી સાથે જે બન્યું છે તેવું બીજા કોઈ સાથે ન બને તે માટે મેં આ આખી વાતને ફેસબુક પર મૂકવાનો નિર્ણય કર્યો હતો."