ઉન્નાવ : ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં, મંગળવારે એક એક્સયુવી કારની ટક્કરથી બાઇક સવાર બે મિત્રોનાં મોત નીપજ્યાં. મૃતકના સ્વજનોએ વળતર અને કાર માલિકની ધરપકડની માંગ સાથે મૃતદેહને મુકીને આજે સવારે ઉન્નાવ-શુક્લગંજ મુખ્ય માર્ગ ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામની માહિતી મળતા પહોંચેલી પોલીસ પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો, જેને પગલે નાસભાગ મચી ગઈ હતી. હિંસક પથ્થરમારામાં 15 પોલીસ જવાન ઘાયલ થયા છે. આ પછી પોલીસે ટોળાને વિખેરવા બળનો ઉપયોગ કર્યો હતો.
આ, હિંસક પ્રદર્શન લગભગ બે કલાક સુધી ચાલુ રહ્યું. પોલીસે પથ્થરમારોમાં સંડોવાયેલા 35ની અટકાયત કરી છે. તો, અન્ય કેટલાકની ઓળખ કરવામાં આવી રહી છે. તો, ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને મેડિકલ સારવાર કરાવી, અટકાયત કરાયેલા લોકો વિરુદ્ધ સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરવા, અને કોવિડ -19 માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, સદર કોટવાલી વિસ્તારના દેવી ખેડા ગામના રહેવાસી રાજેશ અને વિનય મંગળવારે બપોરે બાઇક દ્વારા ઉન્નાવ શહેર આવી રહ્યા હતા. ત્યારે મગરવારા ચોકી નજીક રોન્ગ સાઈડ પરથી આવી રહેલી એક્સયુવી કારે સામેથી બાઇક સવાર મિત્રોને ટક્કર મારી હતી. અકસ્માતમાં બંનેનું મોત નીપજ્યું હતું. રાજેશની બહેન 17 જૂને લગ્ન હોવાથી જાન આવવાની હતી., ગઈકાલે અકસ્માત બાદ સાંજે જિલ્લા હોસ્પિટલ પીએમ હાઉસની સામે, મૃતકના સંબંધીઓએ વળતર અને વાહન માલિકની ધરપકડને લઈ ચક્કાજામ કર્યું હતું. એસડીએમ સદારે તેમને શાંત કર્યા હતા અને તેમને રસ્તા પરથી હટાવ્યા હતા.
આજે ફરી એકવાર મૃતકોના સબંધીઓએ ગામલોકો સાથે ઉન્નાવ-શુક્લગંજ રાજધાની રોડ પર અકરમપુર ખાતે રસ્તો રોકી દીધો હતો. જામની બાતમી મળતાં એસડીએમ સદર સત્યપ્રિયાસિંઘ સીઓ સીટી અને પોલીસ દળ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ ભીડમાં સામેલ યુવકોએ હંગામો મચાવ્યો હતો અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી અને પોલીસકર્મીઓ નાસી છૂટયા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો. પથ્થરમારામાં 15 થી વધુ મહિલા અને પુરૂષ પોલીસ જવાનો ઘાયલ થયા છે. આ પછી, એએસપી શશીશેખર સિંહ સ્વાટ ટીમના જવાનો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ટોળાને વિખેરવા બળનો ઉપયોગ કર્યો હતો.
એએસપી શશીશેખર સિંહે જણાવ્યું હતું કે, અરાજકતાવાદીઓએ મૃતદેહને રસ્તા પર રાખીને રસ્તો રોકી દીધો છે. અરાજકતાવાદીઓએ પથ્થરમારો કરીને વાતાવરણ બગાડવાનું કામ કર્યું છે. પથ્થરમારો કરતા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. જે પણ નુકસાન થયું છે, તે વિરોધીઓ પાસેથી વસૂલવામાં આવશે. પથ્થરમારામાં 15 પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચી છે. ઘાયલ જવાનોની તબીબી સારવાર કરવામાં આવી રહી છે, રિપોર્ટ નોંધ્યા બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.