વોશિંગટનઃ ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન (Joe Biden) હવે અમેરિકાના રાષ્ટ્ર્રપ્રમુખ પદની ચૂંટણી (US Election Result 2020)માં બહુમતની ખૂબ જ નજીક પહોંચી ગયા છે. તમામ શક્યતાઓ છે કે બાઇડન જ અમેરિકાના આગામી રાષ્ટ્રપ્રમુખ તરીકે વ્હાઇટ હાઉસમાં આગામી 4 વર્ષ માટે જોવા મળે. બાઇડન ઘણા સીનિયર ડિપ્લોમેટ રહ્યા છે અને વર્ષ 1972માં પહેલીવાર તેઓ સેનેટર તરીકે ચૂંટાયા હતા. જોકે આપને જણાવી દઈએ કે બાઇડનનું ઈન્ડિયન કનેક્શન પણ છે અને તેનો ખુલાસો થોડાક વર્ષો પહેલા તેઓએ જાતે જ કર્યો હતો. (ફાઇલ તસવીર)
નોંધનીય છે કે, ડેમોક્રેટિક ઉમેદવાર બાઇડન વર્ષ 2013માં અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે ભારતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે તેઓએ મુંબઈમાં એક ભાષણ દરમિયાન પોતાના ભારતીય કનેક્શન વિશે વાત કરી હતી. બાઇડને કહ્યું હતું કે વર્ષ 1972માં જ્યારે તેઓ પહેલીવાર સેનેટના સભ્ય બન્યા હતા તો તેમને મુંબઈમાં રહેતા એક બાઇડનનો પત્ર મળ્યો હતો. મુંબઈવાળા બાઇડને તેમેન જણાવ્યું હતું કે બંનેના પૂર્વજ એક જ છે. આ પત્રમાં તેમને જાણકારી આપવામાં આવી હતી કે તેમના પૂર્વજ 18મી સદીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં કામ કરતા હતા. બાઇડને અફસોસ પણ વ્યક્ત કર્યો હતો કે આ વિશે તેઓ વિસ્તારથી માહિતી એકત્ર ન કરી શક્યા. (ફાઇલ તસવીર)
જ્યારે બાઇડને કહ્યું, હું તો ભારતમાં પણ ચૂંટણી લડી શકું છું - નોંધનીય છે કે, વર્ષ 2015માં તેઓએ વોશિંગટનમાં ઈન્ડો-યૂએસ ફોરમની બેઠકમાં ફરી પોતાના ઈન્ડિયન કનેક્શનનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ જણાવ્યું કે સંભવતઃ તેમના પૂર્વજે એક ભારતીય મહિલા સાથે લગ્ન કર્યા હતા, જેમના પરિવારના લોકો હજુ પણ ત્યાં છે. તેઓએ એવું પણ જણાવ્યું કે મુંબઇમાં ત્યારે બાઇડન સરનેમના પાંચ લોકો હતા જેના વિશે એક પત્રકારે તેમને જાણકારી આપી હતી. ત્યારે બાઇડને કટાક્ષમાં કહ્યું હતું કે તેઓ ભારતમાં પણ ચૂંટણી લડી શકે છે. (ફાઇલ તસવીર)
કાર દુર્ઘટનામાં પહેલી પત્ની અને દીકરીનું થયું હતું મોત - બાઇડનનું પારિવારિક જીવન ઘણું કષ્ટ ભરેલું છે. વર્ષ 1972માં એક કાર દુર્ઘટનામાં બાઇડનની પહેલી પત્ની અને દીકરીનું કરૂણ મોત થયું હતું. તેઓ આ કષ્ટથી બહાર આવ્યા હતા કે વર્ષ 2015માં દીકરાનું બ્રેઇન કેન્સરમાં નિધન થયું હતું. આ ઘટનાઓએ તેમના જીવનને હલાવીને રાખી દીધું હતું. (ફાઇલ તસવીર)
સ્વાસ્થ્ય યોજનાઓને એજન્ડા બનાવ્યો - આ બંને ઘટનાઓનો પ્રભાવ તેમના જીવન અને વિચાર ઉપર પણ પડ્યો. આ જ કારણ રહ્યું કે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં બાઇડને સ્વાસ્થ્ય યોજનાઓને ખાસ પ્રાથમિકતા આપી છે. તેઓએ આ બાબતને ચૂંટણી એજન્ડા બનાવ્યો. તેને તેમના પરિવારમાં એક પછી એક બનેલી કરૂણ ઘટનાઓ સાથે પણ જોડવામાં આવે છે. (ફાઇલ તસવીર)