ફરીદાબાદ. કોરોના મહામારી (Corona Pandemic)ના સમયમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ (Private Ambulance) સંચાલકો મનફાવે એવા ભાવ વસૂલવાના સમાચારો સામે આવી રહ્યા છે. આ સમાચારો દરમિયાન ડ્રીમ ઇન્ડિયા ટૂ એજ્યૂકેટ ઈન્ડિયા (Dream India to Educate India) એજીઓએ રિક્ષાને એમ્બ્યુલન્સ (Auto Ambulance)માં ફેરવીને નિશુલ્ક સેવા શરૂ કરી છે. આ ઓટોરિક્ષા એમ્બ્યુલન્સની મદદથી દર્દીઓને ઘરથી હૉસ્પિટલ સુધી લઈ જવા અને હૉસ્પિટલથી ઘર પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. રોજ જરૂરિયાતવાળા લોકોના ડઝનબંધ ફોન કોલ આવી રહ્યા છે.
આ ઓટો એમ્બ્યુલન્સને કોવિડ દર્દીઓને લાવવા-લઈ જવા માટે ડ્રીમ ઇન્ડિયા ટૂ એજ્યૂકેટ ઈન્ડિયા એનજીઓ દ્વારા સ્પેશલ રીતે તૈયાર કરવામાં આવી છે. જેની પર પીપીઇ કિટ પહેરીને ડ્રાઇવર પણ તૈનાત કરવામાં આવ્યા છે. જે ફોન આવતાં જે-તે સરનામે પહોંચી એમ્યુ) લન્સની ફ્રી સેવા આપે છે. એનજીઓ દ્વારા હાલ પ્રયોગ તરીકે એક ઓટો એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવામાં આવી છે, જેને બાદમાં વધારવામાં આવશે.
ડ્રીમ ઇન્ડિયા ટૂ એજ્યૂકેટ ઈન્ડિયા એનજીઓના Volunteer રુતુ અરોરાએ જણાવ્યું કે મહામારી પહેલા તે બાળકોને ભણાવી રહ્યા હતાં અને મહિલાઓના રોજગારને લઈ કામ કરી રહ્યાં હતાં. પરંતુ મહામારીના સમયમાં અમે સક્ષમ લોકો અને હૉસ્પિટલોની સાથે મળી બ્લડ પ્લાઝ્મા ઓક્સિજન અને બેડ વગેરે માટે અમારી સેવાઓ આપવાનું શરૂ કર્યું. આ ઉપરાંત ડ્રાય રેશન જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું.
રુતુ અરોરાએ વધુમાં જણાવ્યું કે, અમે જોયું કે સંક્રમિત દર્દીઓને લાવવા-લઈ જવા માટે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ સંચાલકો મોં માંગ્યા ભાવ વસૂલી રહ્યા છે. ત્યારે અમે વિચાર્યું કે આના પર કામ કરવું જોઈએ. આ વિચાર સાથે અમે રિક્ષાને એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરી અને સત્ય પ્રકાશને તેના ચલાવવાની જવાબદારી આપી. જેને અમારી સંસ્થા પગાર આપે છે.
તેમણે કહ્યું કે, આ તમામ સેવા ફ્રી છે. જેમાં દર્દીને ઘરેથી હૉસ્પિટલ સુધી લઈ જવા કે પછી હૉસ્પિટલથી ઘરે પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જે મહામારીનો સમય ચાલી રહ્યો છે તેનો સામનો કરવા માટે બધાએ સાથે મળી કામ કરવા માટે આગળ આવવું પડશે અને તમામને યથાશક્તિ પોતાનું યોગદાન આપવું જોઈએ, ત્યારે જ આ બીમારી સામે લડી શકીશું.