માહેર એક એવા વિસ્તારમાં રહે છે કે જે એક સમયે બદામનાં બાગ માટે પ્રસિદ્ધ હતો. પરંતુ દુષ્કાળને કારણે બદામના વૃક્ષો સુકાઈ ગયાં છે અને તેનાથી જ તેમની રોજગારી ચાલતી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, આ વિસ્તારમાં તબાહી મચી ગઈ છે. અંદાજે એક એકર જેટલી જમીન સૂકાઈ ગઈ છે. તેમની જેમ કેટલાંય પરિવારો ભોજન માટે ટળવળી રહ્યા છે.
ધ ગાર્ડિયનના એક રિપોર્ટ પ્રમાણે, માહેરનો એક દીકરો રહીમ તેની મમ્મીને ખૂબ જ યાદ કરે છે. હકીકતમાં રહીમની મમ્મી અને તેનો ભાઈ હોસ્પિટલમાં દાખલ છે. કારણ કે, દુષ્કાળને કારણે પરિવાર એટલો મજબૂર હતો કે તે ઘાસને પણ ભોજન સમજીને ખાવા લાગ્યા હતા અને તેને લીધે માહેરની પત્ની અને તેમનો મોટો દીકરો બીમાર પડી ગયો છે. ડોક્ટરે જણાવ્યુ હતુ કે, પત્નીનાં આંતરડામાં ઇજા પહોંચી છે. પરિવાર તેમની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યો છે.
17 વર્ષીય મોહમ્મદના નાના ભાઈ-બહેનો સહિત સમગ્ર અફઘાનિસ્તાનમાં લાખો બાળકોનું શિક્ષણ પણ પ્રભાવિત થયો છે. મોહમ્મદના પિતાનું ગયા વર્ષે કેન્સરને લીધે મોત નીપજ્યું હતું. મોહમ્મદ પર તેની મમ્મી સહિત આઠ ભાઈઓ અને બહેનોની જવાબદારી છે. તે દિવસભરમાં જેટલું કમાય છે તેમાંથી ભોજન પૂરું નથી થતું તો ભણવાનો સવાલ જ ઊભો નથી થતો.