સદીઓથી ભારત અને અખાતી આરબ દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધની એક નિરાળી ગંગા વહેતી રહી છે. તેમાંય ખાસ કરીને યુ.એ.ઈ. એટલે કે યુનાઇટેડ આરબ એમીરેટ્સના 7 આરબ દેશોનો સંઘ ભારત અને હિન્દુઓ સાથે ખૂબ પૂરાણો નાતો ધરાવે છે. દુબઈ, અબુધાબી, શારજાહ વગેરે આરબ રજવાડાંઓમાં હિન્દુઓએ દાયકાઓથી વેપાર-ધંધા સાથે સ્થાયી થઈને પોતાની સાંસ્કૃતિક-ધાર્મિક પરંપરાને જાળવવાનો પ્રયાસ કર્યો છે. આ ઈસ્લામિક આરબ દેશોમાં દાયકાઓથી વસતા એ હિન્દુઓ અને ભારતીયો હવે હર્ષભેર ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. કારણ કે, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે કરેલા સંકલ્પ અનુસાર હવે આ આરબ ભૂમિ પર રચાઈ રહ્યું છે ભવ્ય હિન્દુ મંદિર.
અત્રે ઉલ્લેખનીય છે કે સન 1997માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અહીંની આરબ ભૂમિ પર પધાર્યા હતા ત્યારે તેઓએ અહીં વસતા હિન્દુઓની ધર્મભાવનાનું પોષણ કરવા એક પવિત્ર સંકલ્પ કર્યો હતો કે આરબભૂમિ પર સંસ્કૃતિધામ ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ થાય. બે દાયકાઓના પ્રયાસ પછી આજે એ સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. તેઓના એ સંકલ્પને સાકાર કરતો અનોખો અવસર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા ગુરુહરિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં અબુધાબી ખાતે તા. 20 એપ્રિલ, 2019ના રોજ યોજાઈ ગયો. એ હતો - અબુધાબીમાં રચાઈ રહેલા બી.એ.પી.એસ. હિન્દુ મંદિરનો ભવ્ય શિલાન્યાસ વિધિ.
આ અવસર માટે જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 50થી વધુ સંતોના સંઘ સાથે યુ.એ.ઈ.ની 11 દિવસીય યાત્રાએ પધાર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અનુગામી તરીકે યુ.એ.ઈ. ખાતેની તેઓની આ સર્વપ્રથમ ધર્મયાત્રા છે. દુબઈ-અબુધાબી હાઈ-વે પર અલ રાભા ઉપનગરના કિનારે, આજે 27 એકરની ભૂમિ પર નંદનવન ખડું થયું હતું. હાઈ-વે પરથી બી.એ.પી.એસ. હિન્દુ મંદિરની આ વિશાળ ભૂમિ પર પ્રવેશ કરતાં જ ભારત, યુ.એ.ઈ.ના રાષ્ટ્રધ્વજ ઉપરાંત વિવિધ રંગી ધ્વજાઓ અનોખા ઉત્સવનું વાતાવરણ ખડું કરતી હતી. સુશોભિત પ્રવેશદ્વારો, રેતીના એક ઊંચા ઢગ પર નિર્માણાધીન મંદિરની વિશાળ પ્રતિકૃતિ, બે વાતાનુકુલિત અને અલંકારોથી મંડિત વિશાળ મહામંડપો, મહાનુભાવો માટે સુંદર મજલિસ - આ બધું જ સંતો અને સ્વયંસેવકોના દિવસ-રાતના પુરુષાર્થની છડી પોકારતું હતું.
જ્યાં શિલાન્યાસ વિધિ થવાનો હતો એ 45,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો વિશાળ ‘પ્રમુખસ્વામી મડંપમ્’ સવારે 8-00 વાગ્યે દેશ-વિદેશના 5000 હરિભક્તોથી છલકાવા લાગ્યો હતો. આજે યુ.એ.ઈ. તથા મસ્કત, બાહરીન, કતાર, કુવૈત, સાઉદી અરેબિયા વગેરે આરબ દેશો ઉપરાંત ભારત, કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, થાઈલેન્ડ વગેરે દેશોના નિમંત્રિત હરિભક્તો હજારોની સંખ્યામાં આ અવસરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભક્તો-ભાવિકો આજના શિલાન્યાસ વિધિ પ્રસંગે યજમાન પદે પૂજાવિધિનો લાભ લેવા માટે માંગલિક વસ્ત્રોમાં સુસજ્જ થઈ પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયા હતા. દરેક યજમાનની સુશોભિત ખુરશી સમક્ષ એક ટેબલ પર પૂજાસામગ્રી ઉપરાંત ભગવાનની મૂર્તિ વિરાજિત કરવામાં આવી હતી. સૌની સમક્ષ 100 ફૂટ લાંબો, 50 ફૂટ પહોળો અને છ ફૂટ ઊંડો વિશાળ ગર્ત (શિલાસ્થાપન માટેનો ખાડો) રચવામાં આવ્યો હતો, જેમાં મંદિરની પ્રથમ શિલાનું સ્થાપન થવાનું હતું. લાલરંગી જાજમ, ઝાલરો, પુષ્પસેરો અને વેદમંત્રોથી અલંકૃત આ ગર્ત અનોખી ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બનવાનો હતો. ગર્તના પશ્ચિમ કિનારે એટલા જ કદનો વિશાળ મંચ પણ એવી જ શોભાથી અલંકૃત હતો. તેની પાર્શ્વભૂમાં મંચના પૂર્ણકદનો એલઈડી સ્ક્રિન આજના પ્રસંગને અનુરૂપ સતત બદલાતાં દૃશ્યોથી વિશેષ શોભા ઉમેરતો હતો. મંચ પર માંગલિક લાગતા શ્વેત આસનો આજના મુખ્ય મહેમાનો માટે આરક્ષિત હતાં.
છેલ્લા કેટલાય દિવસોથી આજના આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સમર્પિત અને નિષ્ઠાવાન સ્વયંસેવકોના ભક્તિપૂર્ણ તનતોડ પુરુષાર્થની ગવાહી ઠેરઠેર નિરખવા મળતી હતી.બરાબર 9-00 વાગે આજના શિલાન્યાસ મહોત્સવના પ્રથમ ચરણનો પ્રારંભ થયો. પ્રારંભમાં પ્રમુખસ્વામી મહારાજે કરેલા સંકલ્પથી લઈને આજના દિવસ સુધીની એક ઇતિહાસગાથા વર્ણવતી સંક્ષિપ્ત વીડિયો સૌએ માણી હતી.
ત્યારબાદ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સર્વે અવતારો, સંતો-મહાપુરુષોના સ્મરણ સાથે શિલાન્યાસ નિમિત્તે મહાપૂજાવિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિદ્વાન ભૂદેવો તથા વિદ્યાવારિધિ પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામી અને સંતોએ મહાપૂજાનો વિધિ સવિસ્તર કરાવ્યો. આ મહાપૂજાની વિશેષતા એ હતી કે વચ્ચે વચ્ચે અંગ્રેજી/હિન્દી ભાષામાં પણ વિધિ સૂચનાઓ સાથે તેની શાસ્ત્રોક્ત સમજૂતી આપવામાં આવતી હતી.
વિશાળ ગર્તમાં મુખ્ય બ્રહ્મશિલાના પૂજન સ્થાને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી બિરાજ્યા હતા. અન્ય 8 શિલાઓની પૂજાવિધિ માટે આત્મસ્વરૂપદાસસ્વામી, આનંદસ્વરૂપદાસ સ્વામી, જ્ઞાનેશ્વરદાસ સ્વામી તથા અગ્રણી મહાનુભાવો જોડાયા હતા. આ પ્રસંગે પ્રસિદ્ધ જૈન ધર્મગુરુ શ્રી રાકેશભાઈ ઝવેરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આરબ દેશો અને યુ.એ.ઈ.ના મૂર્ધન્ય ભારતીયો જેમકે ડો. બી. આર. શેટ્ટી, શ્રી એસ. આર. રાવ, શ્રી યોગેશભાઈ મહેતા, શ્રી સુધીરભાઈ શેટ્ટી, શ્રી રોહિતભાઈ પટેલ વગેરે ઉપરાંત બી.એ.પી.એસ. સંસ્થાના વિદેશોના કેન્દ્રોના સૂત્રધારો તેમાં જોડાયા હતા. ગર્તની બહાર પણ સેંકડોની સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના માંધાતાઓ પૂજાવિધિમાં જોડાયા હતા, જેમાં સિરિયાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખના સુપુત્ર અને વિખ્યાત બેન્કર નઝીમ અલ કુદસી સહિતના મહાનુભાવોનો સમાવેશ થતો હતો. યુ.એ.ઈ.ના અનેક આરબ માંધાતાઓ પણ આ સમારોહમાં જોડાયા હતા. આજે આરબદેશોના મિડીયાના ધૂરંધરો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
બરાબર 10-30 વાગ્યે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થયું. મંદિરની આ ભૂમિ પર તેમનો ચરણસ્પર્શ થતાં જ જાણે ભૂમિ ધન્ય થઈ ઊઠી. જયજયકારો ગૂંજી ઊઠ્યા. સૌનાં હૃદય હર્ષથી પુલકિત ગયાં. વાતાવરણમાં દિવ્યતા છવાઈ ગઈ. ‘પ્રમુખસ્વામી મંડપમ્’માં માંગલિક સ્વાગત સ્વરોની ધૂન રેલાવા લાગી. સૌનું અભિવાદન ઝીલતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણની ચલમૂર્તિ શ્રીહરિકૃષ્ણ મહારાજ સાથે મુખ્ય ગર્તમાં પધાર્યા અને શિલાન્યાસ વિધિનો મુખ્ય વિધિ આરંભ્યો.
બ્રહ્મવિહારીદાસ સ્વામીએ ચલમૂર્તિનું પૂજન કરી મહંત સ્વામીજીનું સ્વસ્તિવાચન કર્યું. ત્યારબાદ સ્વામીશ્રીએ ભારતીય પરંપરા મુજબ ઓજારોનું પૂજન કર્યું. ત્યારબાદ તેઓએ આ વિશાળ મંદિરના નિર્માણની પ્રક્રિયામાં જોડાયેલા શિલ્પી શ્રી વિપુલ સોમપુરા, સંજયભાઈ પરીખ, શ્રી જસબિરસિંઘ સાહની વગેરેનું સ્વામીશ્રીએ પૂજન કરીને તેઓને આશીર્વાદ આપ્યા.ત્યારબાદ મહંત સ્વામી મહારાજના હસ્તે બ્રહ્મશિલાના મુખ્ય ગર્તનું પૂજન કરવામાં આવ્યું, હિન્દુ પરંપરા મુજબ ખાતદેવતાઓનું પૂજન કરીને સ્વામીશ્રીએ ગર્તમાં સ્વર્ણિમ યંત્ર સ્થપિત કર્યું. ત્યારબાદ સ્વામીશ્રીએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નિધિકુંભનું એટલે કે ગર્ભબીજનું સ્થાપન કર્યું અને તેના પર સ્વર્ણીમ લેલા વડે સિમેન્ટ સ્થાપન કર્યું. ત્યારબાદ આ પૂજિત અને સ્થાપિત બ્રહ્મશિલા પર અન્ય મહાનુભાવોએ પણ પૂજાદ્રવ્યો પધરાવ્યાં.
યુ.એ.ઈ. ખાતેના ભારતીય રાજદૂત શ્રી નવદીપ સૂરીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે ‘હજારો વર્ષોમાં ક્યારેક જ આવી અજોડ ઘટના બને છે. હું જોઈ રહ્યો છું કે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા મંદિર નિર્માણમાં ખૂબ ચોક્સાઈ પૂર્ણ રીતે કાર્ય કરી રહી છે. આજના આ અવસરે પૂજ્ય મહંત સ્વામી મહારાજને સત્કારતાં હું આનંદ અનુભવું છું.' એમ કહીને તેઓએ ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રસંગે મોકલેલા એક ઉષ્માસભર શુભેચ્છા પત્રનું પઠન કર્યું હતું.