ઓમ પ્રકાશ, નવી દિલ્હી : અયોધ્યામાં રામ મંદિર (Ram Temple)ને લઈને લડાઇ આશરે 500 વર્ષ જૂની છે. પરંતુ આઝાદ ભારતમાં તેને લઈને પ્રથમ કેસ 1950માં કરવામાં આવ્યો, જેનો અંત 2019માં આવ્યો હતો. આ કેસ દાખલ કરનાર ગોપાલસિંહ વિશારદ (Gopalsinh Vasharad) હતા. તેમના પુત્ર રાજેન્દ્રસિંહ વિશારદ રામ મંદિર ભૂમિ પૂજન (Ram Mandir Bhumi Pujan) કાર્યક્રમમાં સામેલ થયા છે. આજની પેઢી કદાચ ગોપાલસિંહ વિશારદ વિશે વધારે નહીં જાણતી હોય. હકીકતમાં તેઓ મંદિરના આંદોલનના પાયાના પથ્થર હતા.
આઝાદી પછી પ્રથમ કેસ એક દર્શનાર્થી ભક્ત ગોપાલસિંહ વિશારદે 16 જાન્યુઆરી, 1950ના ફૈઝાબાદની કોર્ટમાં કર્યો હતો. તેઓ ઉત્તર પ્રદેશના જિલ્લા ગોંડા, હાલ બલરામપુર જિલ્લાના નિવાસી તેમજ હિન્દુ મહાસભા, ગોંડાના જિલ્લાધ્યક્ષ હતા. ગોપાલસિંહ વિશારદ 14 જાન્યુઆરી, 1950ના રોજ જ્યારે ભગવાન રામના દર્શન કરવા માટે શ્રીરામ જન્મભૂમિ જઈ રહ્યા હતા ત્યારે તેમને પોલીસે રોક્યા હતા. પોલીસ અન્ય ભક્તોને પણ રોકી રહી હતી. (તસવીર : ભૂમિ પૂજન સ્થળ)
જે બાદમાં ગોપાલસિંહ વિશારદે જિલ્લા કોર્ટને વિનંતી કરી હતી કે, "તાત્કાલિક આદેશ જાહેર કરવામાં આવે કે જેનાથી પ્રતિવાદી સ્થળ જન્મભૂમિથી ભગવાન રામચંદ્ર વગેરેની વિરાજમાન મૂર્તિઓને એ સ્થળેથી ક્યારેય હટાવવામાં ન આવે. આ ઉપરાંત પ્રવેશદ્વાર તેમજ અન્ય આવવા અને જવાના માર્ગને બંધ ન કરવામાં આવે. આ ઉપરાંત પૂજા કે દર્શનમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન નાખવામાં આવે." (તસવીર : ભૂમિ પૂજન સ્થળ)
વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે કોર્ટે ત્યારે તમામ પ્રતિવાદીઓને નોટિસ આપવાનો આદેશ કર્યો હતો. ત્યારે 16 જાન્યુઆરી, 1950 સુધી ગોપાલસિંહ વિશારદના પક્ષમાં વચગાળાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. ભક્તો માટે પૂજા-અર્ચના ચાલુ થઈ હતી. સિવિલ જજે જ ત્રીજી માર્ચ, 1951ના રોજ પોતાના વચગાળાના આદેશની પુષ્ટિ કરી હતી. મુસ્લિમ સમાજના અમુક લોકો આ આદેશના વિરુદ્ધમાં અલાહાબાદ હાઇકોર્ટમાં ગયા હતા. મુખ્ય ન્યાયાધીશ મૂથમ તેમજ ન્યાયાધીશ રઘુવર દયાલની ખંડપીઠે 26 એપ્રિલ, 1955ના રોજ આદેશ સિવિલ જજના આદેશને યથાવત રાખ્યો હતો. જે બાદમાં ઢાંચાની અંદર પૂજા-અર્ચનાનો અધિકાર સુરક્ષિત થઈ ગયો હતો. (તસવીર : ભૂમિ પૂજન સ્થળ)
ઝાંસીથી આવ્યો હતો વિશારદનો પરિવાર : વિશારદનો પરિવાર મૂળ ઝાંસીનો નિવાસી હતો. જેઓ બાદમાં અયોધ્યા આવ્યા હતા. અહીં તેમણે બુંદેલખંડ સ્ટોર નામે દુકાન ખોલી હતી અને હિન્દુ મહાસભા સાથે જોડાયેલા હતા. 1968માં તેમના પુત્ર રાજેન્દ્રસિંહ વિશારદ બેંકની નોકરી કરીને બલરામપુર ગયા હતા અને ત્યાં જ રહી ગયા હતા. 1986માં ગોપાલસિંહ વિશારદ સ્વર્ગવાસી થયા હતા. જે બાદમાં કેસની પેરવી તેમના પુત્ર રાજેન્દ્રસિંહ કરવા લાગ્યા હતા. (તસવીર : ભૂમિ પૂજન સ્થળ)
આઝાદી પહેલા પ્રથમ કેસ મહંત રઘુબર દાસે કર્યો : વર્ષ 1853માં અયોધ્યામાં મંદિર અને મસ્જિદને લઈને વિવાદ થયો હતો. ત્યારે અયોધ્યા પર અવધના નવાબ વાજિદ અલી શાહનું શાસન હતું. એ વખતે હિન્દુ ધર્મમાં માનતા નિર્મોહી પંથે દાવો કર્યો હતો કે મંદિર તોડીને અહીં મસ્જિદ બનાવવામાં આવી હતી. વર્ષ 1859માં અંગ્રેજી હુકૂમતે મસ્જિદ આસપાસ તાર લગાવી દીધા હતા અને બંને સમાજના પૂજા સ્થળને અલગ કરી દીધા હતા. મુસ્લિમોને અંદરની જગ્યા આપવામાં આવી હતી જ્યારે હિન્દુઓને બહારની જગ્યા આપવામાં આવી હતી. પરંતુ ઝઘડા બાદ 1885માં પ્રથમવાર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. મહંત રઘુબર દાસે ફૈઝાબાદ કોર્ટમાં બાબરી મસ્જિદ પાસે રામ મંદિરના નિર્માણની મંજૂરી માંગી હતી.