બહેનના હાથમાં મહેંદી લાગે, તે મંડપમાં ફેરા ફરે અને સાસરે જાય એ દરેક ભાઈનું સપનું હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશના એક ભાઈનું આ સપનું અધૂરું રહી ગયું કેમકે તેણે દેશની રક્ષા માટે બલિદાન આપ્યું. પરંતુ જ્યારે તે શહીદ ભાઈની બહેનના લગ્નની વાત આવી, ત્યારે સાથી CRPF જવાનોએ ભાઈનું વચન પૂરું કર્યું. લગ્ન વખતે ભલે તે બહેનનો પોતાનો ભાઈ ન હતો, પરંતુ ભારતીય સેનાના જવાનોની આખી ફોજ તે કન્યાનો ભાઈ બનીને પડખે ઉભી હતી.
હાલ ચર્ચાનો વિષય બનેલા આ લગ્ન રાયબરેલીના પ્લેઝન્ટ વ્યૂ મેરેજ હોલમાં યોજાયા હતા. આ એ બહેનના લગ્ન હતા જેનો ભાઈ ગયા વર્ષે દેશ માટે શહીદ થયો હતો. આ બહેને એક ભાઈ ગુમાવ્યો તો તેની ડોલી ઉઠાવવા ડઝનબંધ CRPF જવાનો ભાઈ બનીને લગ્નમાં પહોંચી ગયા. જ્યોતિનો ભાઈ શૈલેન્દ્ર પ્રતાપ સિંહ એક CRPF જવાન હતો, જે 5 ઓક્ટોબર 2020ના જમ્મુમાં આતંકવાદી હુમલા દરમિયાન શહીદ થયા હતા.
શહીદ શૈલેન્દ્રની બહેન જ્યોતિના લગ્નમાં સાથી સીઆરપીએફ જવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સૈનિકો અહીં યુનિફોર્મ પહેરીને હાજર થયા અને ભાઈની તમામ ફરજો બજાવી. શહીદ શૈલેન્દ્રની બહેનના લગ્નમાં સૈનિકોની હાજરીથી વાતાવરણ ક્ષણભર માટે ભલે ગમગીન બની ગયું હોય, પરંતુ આ ખાસ પ્રસંગે કન્યાને આટલા બધા ભાઈઓ મળ્યા, એ તેના માટે ખાસ ક્ષણ હતી.