ગુરુવારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં રાજસ્થાનના પાંચ જવાન શહીદ થઈ ગયા. શહીદોમાં કોટાના હેમરાજ મીણા, જયપુરના રોહિતાશ લાંબા, ધૌલપુરના ભાગીરથસિંહ, ભરતપુરના જીતરામ ગુર્જર અને રાજસમંદના નારાયણ ગુર્જર સામેલ છે. પુલવામામાં અવંતીપોરામાં નેશનલ હાઇવે પર વિસ્ફોટકોથી ભરેલી કારને સીઆરપીએફ સાથે સાથે ટકરાવવામાં આવી. બસમાં કુલ 44 જવાન સવાર હતા. જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી અને આ આત્મઘાતી હુમલાને આદિલ અહમદ ડારે અંજામ આપ્યો.
સીઆરપીએફની 61મી બટાલિયનના હેમરાજ મીણા કોટા જિલ્લાના સાંગોદના વિનોદ કલા ગામના રહેવાસી હતા. સીઆરપીએફના જમ્મૂ કેમ્પથી રાતે 10 વાગ્યાની આસપાસ તેમની પત્ની મધુ ઉપર ફોન આવ્યો જેમાં હેમરાજ મીણા શહીદ થયા હોવાની જાણ કરવામાં આવી. મધુએ શહીદના વૃદ્ધ પિતાને આઘાત ન લાગે એટલા માટે આખી રાત માથાનું સિંદૂર ન લૂછ્યું. તેની જાણકારી મોટા ભાઈ રામવિલાસ મીણાને પહેલા કરી.