નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય તરફથી આયોજીત 'હુનર હાટ'માં (Hunar Haat) બુધવારે અચાનક પહોંચી ગયા હતા. જ્યાં તેમણે લિટ્ટી-ચોખા ખાધા હતા અને કુલડીમાં ચા પીધી હતી. એટલું જ નહીં પીએમ મોદીએ બિલ પણ પોતે જ ચૂકવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદી આજે આશરે દોઢ વાગ્યે ઈન્ડિયા ગેટ (India Gate) પાસે રાજપથ ઉપર લાગેલા 'હુનર હાટ'માં પહોંચ્યા હતા. અંહી આશરે 50 મિનિટ સુધી રોકાયા હતા. મોદીએ અલગ અલગ સ્ટોલ ઉપર જઈને પ્રોડક્ટને જોયા અને તેમના અંગે જાણકારી લીધી હતી.
વડાપ્રધાન મોદી પહેલીવાર હુનર હાટમાં પહોંચ્યા હતા. એક સૂત્રએ પીટીઆઈ ભાષાને જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની આ મુલાકાત નક્કી ન્હોતી, તેઓ બુધવારે બપોરે અચાનક હુનર હાટ પહોંચ્યા હતા. આનાથી અનેક લોકોને નવાઈ લાગી હતી. મોદીની પહોંચવાની માહિતી મળતા જ અલ્પસંખ્યક કાર્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi)તત્કાલ ત્યાં પહોંચી ગયા હતા. અને તેમની આગેવાની કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદીએ હુનર હાટમાં એક સ્ટોલ ઉપર રોકાઈને લિટ્ટી ચોખા ખાધા હતા અને તેનું 120 રૂપિયા બિલ ચૂકવ્યું હતું. આ ઉપરાંત તેમણે બે કુલડીમાં ચા લીધી હતી. જેમાંથી એક પોતે લીધી અને બીજી નકવીને આપી હતી. ચાના 40 રૂપિયા પણ મોદીએ ચૂકવ્યા હતા. વડાપ્રધાન મોદી પહોંચવાની સાથે જ ભીડ જમા થઈ ગઈ હતી અને મોદી મોદીના સૂત્રો લાગવાના શરુ થયા હતા. અને તેમની સાથે સેલ્ફી લીધી હતી.